વિસનગરમાં સરકાર સાથે છેતરપિંડીનો ભાંડાફોડ — ખોટું આવક પ્રમાણપત્ર બનાવી 1 લાખની સહાય હડપ કરનાર સામે ગુનો નોંધાયો
મહેસાણા, 8 નવેમ્બર (હિ.સ.) : મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના બોકરવાડા ગામે સરકારશ્રીની યોજના હેઠળ ખોટા દસ્તાવેજો રજૂ કરી સહાય મેળવવાનો ગંભીર બનાવ સામે આવ્યો છે. આ મામલે બોકરવાડા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીએ આરોપી વિષ્ણુપ્રસાદ કાનદાસ આચાર્ય વિ
વિસનગરમાં સરકાર સાથે છેતરપિંડીનો ભાંડાફોડ — ખોટું આવક પ્રમાણપત્ર બનાવી 1 લાખની સહાય હડપ કરનાર સામે ગુનો નોંધાયો


મહેસાણા, 8 નવેમ્બર (હિ.સ.) :

મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના બોકરવાડા ગામે સરકારશ્રીની યોજના હેઠળ ખોટા દસ્તાવેજો રજૂ કરી સહાય મેળવવાનો ગંભીર બનાવ સામે આવ્યો છે. આ મામલે બોકરવાડા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીએ આરોપી વિષ્ણુપ્રસાદ કાનદાસ આચાર્ય વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો નોંધાવ્યો છે. આરોપીએ પોતાની સાચી આવક છુપાવી ખોટું પ્રમાણપત્ર મેળવી પંડિત દીનદયાળ આવાસ યોજના હેઠળ રૂ. 1 લાખની સહાય હડપી હતી.

માહિતી મુજબ, વર્ષ 2017-18 દરમિયાન પંચનામા દરમિયાન આરોપીએ પોતાની વાર્ષિક આવક માત્ર રૂ. 47 હજાર દર્શાવી હતી. આ ખોટી વિગતોના આધારે તેણે 2 નવેમ્બર 2018ના રોજ વિસનગર તાલુકા વિકાસ અધિકારી કચેરીમાંથી આવક પ્રમાણપત્ર ક્રમાંક 29924/2018 મેળવ્યું હતું. આ પ્રમાણપત્ર રજૂ કરીને તેણે સરકારશ્રીની આવાસ યોજનાનો લાભ મેળવ્યો હતો.

પરંતુ બાદમાં આચાર્ય દ્વારા ખોટા પ્રમાણપત્ર મેળવ્યાની રજુઆત મળતાં તપાસ હાથ ધરાઈ. તપાસ દરમિયાન બહાર આવ્યું કે આરોપી વાસ્તવમાં ઊંચી આવક ધરાવતા હતા. તેમણે આવકવેરા વિભાગમાં વર્ષ 2018-19માં રૂ. 4,22,417 અને વર્ષ 2019-20માં રૂ. 4,21,179ની આવક દર્શાવી હતી. આ રીતે આરોપીએ ઓછી આવક બતાવી સરકારશ્રીને ઠગવાનો પ્રયાસ કર્યો હતો. તાલુકા વિકાસ અધિકારીએ તપાસના અંતે 2 નવેમ્બર 2018ના રોજ આપવામાં આવેલ આવક પ્રમાણપત્ર રદ જાહેર કર્યું છે. ત્યારબાદ તલાટી કમ મંત્રી દિક્ષિતકુમાર ડાહ્યાભાઈ પટેલે વિસનગર પોલીસ સ્ટેશનમાં ઈ.પી.કો. કલમ 420, 468 અને 471 હેઠળ ગુનો નોંધાવ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande