
અમરેલી,8 નવેમ્બર (હિ.સ.) અમરેલી શહેરમાં માથાકૂટ બાદ જાનથી મારવાની ધમકી આપવાનો ગંભીર બનાવ સામે આવ્યો છે. આ બનાવને લઈને શહેરના નાગરિકોમાં ચકચાર મચી છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, અફસાના રહીમભાઈ પરમારા એ અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં રીઝવાન ઉર્ફે બાડો, હનીફભાઈ કસીરી, જાવેદ કસીરી અને અન્ય એક અજાણ્યા વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ મુજબ, અફસાનાબેનના દીકરા સાથે થોડા દિવસ પહેલાં આરોપીઓ વચ્ચે માથાકૂટ થઈ હતી. આ વિવાદને પગલે આરોપીઓ ગુસ્સામાં ફરી અફસાનાબેનના ઘરે આવ્યા હતા. આરોપીઓએ તેમના પતિ સાથે ઉગ્ર વાદવિવાદ કર્યો હતો અને ગાળો-શાપ આપી હુમલો કર્યો હતો. ઘટનાના સમયે આરોપીઓએ અફસાનાબેનના પતિને છાતીના ભાગે બે ઘૂંસા માર્યા હતા, જેના કારણે તેમને ઈજા પહોંચી હતી.
ફરિયાદમાં વધુમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, આરોપીઓએ અફસાનાબેનના દીકરાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ધમકી બાદ પરિવારના સભ્યોમાં ડરનું વાતાવરણ છવાઈ ગયું હતું.
પોલીસે ફરિયાદ આધારે રીઝવાન ઉર્ફે બાડો, હનીફ કસીરી, જાવેદ કસીરી તથા અજાણ્યા એક ઈસમ સામે ગુનો નોંધ્યો છે. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ અમાન યાસીનભાઈ કાઝી આ કેસની વધુ તપાસ હાથ ધરી છે.શહેર પોલીસનું કહેવું છે કે આરોપીઓની ઓળખ પુષ્ટિ થયા બાદ તેમને ઝડપવા માટે તલાશી શરૂ કરવામાં આવી છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે આ પ્રકારના ઝઘડા અને ધમકીના બનાવને ગંભીરતાથી લેવામાં આવશે અને કાનૂની કાર્યવાહી અંતર્ગત યોગ્ય પગલાં લેવાશે.
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai