
જૂનાગઢ, 8 નવેમ્બર (હિ.સ.) : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભારતના લોહપુરુષ અને દેશના મહાન ઘડવૈયા સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતીના અવસરે જૂનાગઢ ખાતેથી યુનિટી માર્ચ પદયાત્રાનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવશે.
મુખ્યમંત્રી સવારે ૭ કલાક બાદ જૂનાગઢ ખાતે સરદાર વલ્લભ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરશે, ત્યારબાદ ઐતિહાસિક બહાઉદ્દીન કોલેજ ખાતે આયોજિત જનસભાને સંબોધિત કરશે.
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી અને જૂનાગઢના આઝાદી દિવસના અવસરે આયોજિત આ કાર્યક્રમમાં રાજ્યના સામાજિક અને ન્યાય અધિકારીતા મંત્રી પ્રદ્યુમન વાજા, રાજ્યમંત્રી કૌશિકભાઇ વેકરીયા, સાંસદ રાજેશ ચુડાસમા, મેયર ધર્મેશભાઈ પોશિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુંમર, ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા સહિતના પદાધિકારી- અધિકારી સહભાગી બનશે.
મુખ્યમંત્રી મુખ્ય સ્ટેજ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ રાજ્યના રમતગમત અને યુવા સાંસ્કૃતિક ઉપક્રમે જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત યુનિટી માર્ચ પદયાત્રાનો પ્રારંભ કરાવશે. આ ૮.૬ કિલોમીટરની યુનિટી માર્ચ પદયાત્રા ઐતિહાસિક બહાઉદ્દીન કોલેજ ખાતેથી પ્રારંભ થશે અને મુખ્ય માર્ગો પર ફરીને સરદાર ચોક (જીમખાના) ખાતે સમાપન થશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ