
જૂનાગઢ 8 નવેમ્બર (હિ.સ.) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તા.9 નવેમ્બરના રોજ જુનાગઢ મુક્તિ દિન અને સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતીની ઉજવણી અંતર્ગત 86 જુનાગઢ વિધાનસભાથી યુનિટી માર્ચ પદયાત્રાનો પ્રારંભ કરાવશે.
તા.9 નવેમ્બરના રોજ યોજાનાર યુનિટી માર્ચ પદયાત્રા બહાઉદીન કોલેજ થી સરદાર ચોક જીમખાના સુધી યોજનાર 8.6 કિલોમીટર પદયાત્રા રૂટનું નિરીક્ષણ વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું. રૂટ ઉપર રોશની, બહાઉદીન કોલેજ સહિતની સંલગ્ન ઐતિહાસિક ઇમારતોમાં પણ રોશની શણગારવામાં આવી છે તેમજ ઝાંસીની રાણી સર્કલ પર સ્વદેશી મેળા ના સૂચિત આયોજન સાથે સુશોભન કરવામાં આવ્યું છે.
તા.9 નવેમ્બરના રોજ સવારે 7:30 કલાકે કોલેજના મેદાનમાં મુખ્યમંત્રી સહિતના મહાનુભાવો આરઝી હકુમત સ્મારક સ્તંભ ખાતે પૂજન અને બાદમાં સ્ટેજ કાર્યક્રમ અને ત્યાંથી મેદાનમાં તૈયાર કરાયેલ પ્રદર્શની અને બહાઉદીન કોલેજના ગેટ પાસેથી યાત્રાને ફ્લેગ ઓફ કરાવશે. સવારે 6:00 થી 6:30 વચ્ચે લોકોનું આગમન શરૂ થશે.
આ કાર્યક્રમમાં જૂનાગઢના સર્વ સમાજના લોકો સંગઠન ,શૈક્ષણિક સંસ્થાઓ વિવિધ એસોસિએશન, આરઝી હકુમત ના લડવૈયાઓના પરિવારો, સિનિયર સિટીઝન, યુવાઓ, પોલીસ જવાનો, વહીવટી તંત્રના અધિકારીઓ કર્મચારીઓ, પ્રભુત નાગરિકો મોટી સંખ્યામાં જોડાવા ઉત્સુક છે.
જુનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી ડો. પ્રદ્યુમન વાજાના માર્ગદર્શનમાં ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, મેયર ધર્મેશભાઈ પોશીયા,કલેકટર અનિલકુમાર રાણાવસિયા તેમજ વહીવટી તંત્ર પોલીસ ટીમ, શહેર- જિલ્લા પ્રમુખ ભાજપ પ્રમુખશ્રી, વિવિધ વેપારી એસોસિએશનનો સંગઠન અને સ્વયંસેવિક સામાજિક સંસ્થાઓ સર્વ ટીમ વર્કથી આ પદયાત્રાને સફળ બનાવવા અને રાષ્ટ્રીય એકતા ના પર્વ સમાન આ કાર્યક્રમમાં લોકો જોડાઈ તે માટે વિવિધ વ્યવસ્થાઓ કરી રહ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ