
ગાંધીનગર, 8 નવેમ્બર (હિ.સ.) : ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ રોજ અવનવી તરકીબો દ્વારા દારૂ લાવવામાં આવે છે આવી જ એક તરકીબ અજમાવી લસણની આડમાં લવાતો 50 પેટી દારૂનો જથ્થો ઝડપ્યો હતો.
રાજ્યના પાટનગર ગાંધીનગરમાં બૂટલેગરો દ્વારા અપનાવાતી અવનવી તરકીબો ફરી એકવાર પકડાઈ ગઈ છે. ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાંચે અડાલજ કેનાલ નજીકથી પિકઅપ ડાલામાં લસણ જેવા જીવનજરૂરી માલસામાનની આડમાં ગેરકાયદેસર રીતે લાવવામાં આવેલો વિદેશી દારૂનો મોટો જથ્થો સહિત કુલ રૂ.12.25 લાખનો મુદ્દામાલ જપ્ત કરી બે ઇસમોની ધરપકડ ઝડપી લઇ વધુ તપાસ હાથ ધરી છે.
ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ એચ.પી પરમારની ટીમ અડાલજ પોલીસ મથકની હદ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. દરમિયાન બાતમી મળી હતી કે, રાજસ્થાન પાર્સિંગનું એક મહિન્દ્રા પીકઅપ ડાલુ લસણના 24 કટ્ટાની નીચે વિદેશી દારૂ સંતાડીને ગાંધીનગર-સરખેજ હાઈવે પરથી થોળ તરફ જઈ રહ્યું છે.
એલસીબીની ટીમ બાતમી આધારે તાત્કાલિક અડાલજ કેનાલ પાસે વોચ ગોઠવી દઈ બાતમી વાળા ડાલાની કાગડોળે રાહ જોઈ હતી. દૂરથી ડાલુ આવતું જોઈને એલસીબી ટીમે હાથનો ઈશારો કરતા જ ડ્રાઈવર ઊભો રહી ગયો હતો. બાદમાં પિકઅપ ડાલાની તલાશી લેતા પાછળના ભાગે વ્યવસ્થિત રીતે ગોઠવેલા લસણના કટ્ટા નીચે ભારતીય બનાવટના વિદેશી દારૂની 50 પેટીઓ છુપાયેલી મળી આવી હતી. જેની ગણતરી કરતા 'ફોર સેલ ઇન રાજસ્થાન ઓન્લી' લખેલ દારૂની 2880 બોટલો હોવાનું સામે આવ્યું હતું.
પોલીસે ડ્રાઈવર રાહુલ રમેશચંદ સોલંકી અને ક્લીનર કુલદીપ શિવજી વ્યાસ બંને ની ધરપકડ કરી પૂછતાછ હાથ ધરી હતી. ઝડપાયેલા આરોપીઓએ કબૂલાત કરી હતી કે, આ દારૂનો જથ્થો તેમના રાજસ્થાની શેઠ અનીલ રમેશચંદ્ર પ્રજાપતિએ ભરી આપ્યો હતો. આ દારૂનો જથ્થો થોળ નજીક પહોંચીને શેઠે આપેલા નંબર ઉપર ફોન કરવાથી એક ઇસમ ડિલિવરી લેવા આવવાનો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ