


પોરબંદર, 8 નવેમ્બર (હિ.સ.) : પોરબંદર શહેરના ઉદ્યોગ વિસ્તાર માં આવેલા રેલવે ફાટકનો મુદ્દો દિવસેને દિવસે સળગતો બની રહ્યો છે. છેલ્લા ચાર માસથી ઉદ્યોગનગરના બંધ થયેલા રેલવે ફાટકને ખોલાવવા માટે સ્થાનિકો વિરોધ પ્રદર્શન લેખિત આવેદનો સહીત વિવિધ પ્રકારે રજુઆત કરી રહ્યા છે. અને નવા વર્ષે ફાટક ખોલવાના ફાયદાઓ પણ સતા પક્ષ દ્વારા મીડિયાના માધ્યમથી કરવામાં આવ્યા હતા. દેવ દિવાળીનો દિવસ પણ ચાલ્યો ગયો છે આમ છતાં આજ દિન સુધી ફાટક ન ખુલતા સ્થાનિકોની ધીરજ ખૂટી રહી છે. ગઈકાલે રાત્રીના સ્થાનિકો પોરબંદર રેલવે વિભાગના ઉચ્ચ અધિકારીને મળવા પહોંચ્યા હતા. અધિકારી સાથે ફાટક ખોલવા મુદ્દે ચર્ચાઓ કરી હતી. ત્યારબાદ મીડિયાના માધ્યમથી સ્થાનિકોએ જણાવ્યું હતું કે, નુતન વર્ષના દિવસે ફાટક ખોલવાનું નક્કી હતું પરંતુ આજ દિન સુધી ફાટક ખોલવામાં આવ્યું નથી જેનાથી લોકોની દિવસેને દિવસે મુશ્કેલીમાં વધારો આવી રહ્યો છે. જો સોમવાર સુધીમાં રેલવે વિભાગ ફાટક નહિ ખોલે તો ઉદ્યોગનગર વિસ્તારના સ્થાનિકો મોટી સંખ્યામાં રેલવે ફાટક નજીક ઉપવાસ આંદોલન પર ઉતરવાની ફરજ પડશે જેથી તાત્કાલિક ફાટક ખુલે તેવી માંગ લોકો કરી રહ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya