
સુરત, 8 નવેમ્બર (હિ.સ.) : માંડવી તાલુકાના દેવગઢ ગામે પશુ વિજ્ઞાન કેન્દ્ર અને કામધેનુ યુનિવર્સિટી, નવસારી કેમ્પસના સંયુકત ઉપક્રમે પશુપાલનમાં પશુ પોષણ અને બચ્ચા ઉછેરનું મહત્વ વિષયક એક દિવસીય તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. આ તાલીમમાં 54 પશુપાલકોએ ભાગ લીધો હતો.
આ પ્રસંગે પશુચિકીત્સા અધિકારી ડો.સચિનકુમાર કલાસવાએ પશુ વિજ્ઞાન કેન્દ્રના ઉદેશો અને કામગીરીની વિગતવાર માહિતી આપી હતી. પશુ સંશોધન કેન્દ્રના મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક ડૉ. મુકેશભાઇ કટારિયાએ પશુપાલનમાં પશુઓને ધાસચારો, દાણ, અનાજ સહિત પોષણનું મહત્વ સમજાવ્યું હતું. ડૉ. સંજયકુમાર પરમાર (મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક) એ પશુપાલનમાં બચ્ચા ઉછેરનું મહત્વ વિસ્તૃત રીતે સમજાવી હતી. તાલીમના અંતે ડૉ. મુકેશભાઇ કટારિયા અને ડૉ. સુનિલકુમાર પ્રજાપતિએ પશુપાલકો પાસેથી પ્રશ્નો અને મૂંઝવણો સાંભળી તેઓના પ્રશ્નોના નિરાકરણ કર્યું હતું. તાલીમ દરમિયાન પશુપાલકોને પ્રોત્સાહનના ભાગરૂપે પશુપાલન વિષય આધારિત સાહિત્યની કિટનું વિતરણ પણ કરવામાં આવી હતી.
આ પ્રસંગે સંશોધન વૈજ્ઞાનિક અને યુનિટ હેડ, પશુ સંશોધન કેન્દ્ર, કામધેનુ યુનિવર્સિટી, નવસારીના ડૉ.કે.એન.વાધવાણી તથા વિસ્તરણ શિક્ષણ નિયામક ડૉ.જે.એસ.પટેલના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. પશુ વિજ્ઞાન કેન્દ્ર, માંડવી દ્વારા કરવામાં આવતી આવી પ્રવૃત્તિઓ ગ્રામ્ય વિસ્તારોમાં વસતા પશુપાલકોને પશુપાલન તરફ પ્રોત્સાહન આપીને આત્મનિર્ભરતાની દિશામાં પ્રેરણા અને પ્રોત્સાહન પુરૂ પાડશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે