
મહેસાણા, 8 નવેમ્બર (હિ.સ.) : મહેસાણા પેરોલ ફ્લો ટીમે આજે એક મહત્વપૂર્ણ કાર્યવાહી અંજામ આપતાં 10 માસથી ફરાર મર્ડર કેસના આરોપી નાડીયા મંગેશભાઈ બળદેવભાઈને ઝડપ્યો છે. આરોપી આજીવન કેદની સજા ભોગવી રહ્યો હતો અને પેરોલ પર છૂટી ગયા બાદ જેલમાં પરત ન ફરી જતા ફરાર ગણાયો હતો. ટીમે બાતમીના આધારે વિરમગામ નજીકથી આરોપીને ઝડપી ફરી જેલ હવાલે કર્યો છે.
માહિતી મુજબ, કડી તાલુકાના સૂરજ ગામના રહેવાસી નાડીયા મંગેશભાઈએ વર્ષ 2021માં પોતાની પત્ની સરોજબેનની હત્યા કરી હતી. આ બનાવની ફરિયાદ પિયર પક્ષ દ્વારા નોંધાવતા મામલો સેશન્સ કોર્ટમાં ચાલી ગયો હતો. 22 ડિસેમ્બર 2023ના રોજ કોર્ટએ આરોપીને આજીવન કેદની સજા ફટકારી હતી. તે બાદ આરોપી અમદાવાદની મધ્યસ્થ જેલમાં સજા ભોગવી રહ્યો હતો.
10 જાન્યુઆરી 2025ના રોજ આરોપીને 15 દિવસની પેરોલ મંજૂર થઈ હતી અને તે પોતાના ઘરે આવ્યો હતો. જો કે, 24 જાન્યુઆરીએ જેલમાં પરત જવાની તારીખ પૂર્ણ થયા પછી આરોપી ફરાર થઈ ગયો હતો. પોલીસ ટીમો છેલ્લા અનેક મહિનાથી તેની શોધમાં હતી, પરંતુ તે હાથ ન લાગ્યો હતો.
ASI નરેન્દ્રસિંહ અને હેડ કૉન્સ્ટેબલ રશમેન્દ્રસિંહની આગેવાનીમાં મહેસાણા પેરોલ ફ્લો ટીમે ગુપ્ત બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરી. ટીમને જાણ મળી હતી કે આરોપી પોતાના બાળકોને સૂરજ ગામ મુકવા આવ્યો છે અને વિરમગામ હાસલપુર ચોકડી પાસે જોવા મળ્યો છે. તાત્કાલિક કાર્યવાહી કરી ટીમે આરોપીને ત્યાંથી ઝડપી લીધો હતો.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આરોપી મોરબી ખાતે મજૂરી કરીને જીવન ગુજારતો હતો અને સમયાંતરે પોતાના બાળકોને મળવા ગુપ્ત રીતે ગામ આવતો હતો. હાલ મહેસાણા પેરોલ ફ્લો ટીમે આરોપીને ફરીથી જેલ હવાલે કરી વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR