
પાટણ, 8 નવેમ્બર (હિ.સ.) : પાટણ એલ.સી.બી.એ સમી પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોટી કાર્યવાહી હાથ ધરી છે. બાતમીના આધારે વરાણા ગામ નજીક DL.8.CAM.8982 નંબરની ક્રેટા ગાડી રોકી તપાસ કરતાં તેમાં ₹2,58,960 કિંમતના ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરની કુલ 1200 બોટલો/ટીન મળી આવી હતી. આ કાર્યવાહી પ્રોહિબિશન સંબંધિત ગેરકાયદેસર પ્રવૃત્તિઓ રોકવા માટેના નિર્દેશોના આધારે કરવામાં આવી હતી.
પોલીસે દારૂના જથ્થા ઉપરાંત ₹10,00,000ની કિંમતની ક્રેટા ગાડી અને ₹30,000નો મોબાઈલ ફોન જપ્ત કર્યો છે, જેની કુલ કિંમત ₹12,88,960 થાય છે. આ કેસમાં પોલીસે મહેન્દ્રસિંહ તનસિંગ વેણીદાન રતુ (ચારણ) નામના ઇસમને ઝડપી પાડ્યો છે, જે રાજસ્થાનના જોધપુર જિલ્લાના રહેવાસી છે. તેને કાયદેસરની કાર્યવાહી બાદ સમી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.
આ દારૂ સપ્લાય કેસમાં ભવાનીસિંહ (જોધપુર), રામ બિશ્નોઇ (વીરાવા) અને મહેશભાઇ ભરવાડ (છાણીયાથર) સહિત ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. એલ.સી.બી. દ્વારા દારૂની હેરાફેરીના નેટવર્કને તોડી પાડવા માટે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ