
અમદાવાદ, 8 નવેમ્બર (હિ.સ.) : છેલ્લા બે દિવસથી રાજ્યમાં ગુલાબી ઠંડીની શરૂઆત થયાનો અહેસાસ કરવી રહ્યો છે. અમદાવાદ હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં રાજ્યમાં ઠંડીને લઈને આગાહી કરવામાં આવી છે, જેમાં કચ્છ જિલ્લાનું ગઈકાલે સૌથી ઠંડુ શહેર નલિયા રહ્યું હતું. સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નલિયા ખાતે 16.3 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 33.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે ભૂજમાં મહત્તમ તાપમાન 34.5 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 18.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આમ સૌથી ઓછું ઠંડુ ભૂજ અને સૌથી વધુ ઠંડુ નલિયા શહેર નોંધાયું હતું.
હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. એ. કે. દાસના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં ઠંડીની આગાહી કરવામાં આવી છે, જેમાં પવનની દિશા ઉત્તર પૂર્વથી પૂર્વની થતા ઠંડીનો અનુભવ થશે. ઉત્તર તરફથી પવન આવતા તાપમાન ઘટવાની આગાહી કરવામાં આવી છે. મોટાભાગના જિલ્લાઓમાં 2-3 ડિગ્રી તાપમાન ઘટવાની શક્યતા છે. અમદાવાદમાં પણ ઠંડીનો ચમકારો અનુભવાય તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન 30.8 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેશે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ