
અમરેલી, 8 નવેમ્બર (હિ.સ.) : સાવરકુંડલામાં વીજળીના અનાવશ્યક વપરાશને ઘટાડવા અને ગ્રાહકોના વીજળી બિલમાં ઘટાડો લાવવા માટે નવી પહેલની શરૂઆત કરવામાં આવી છે. પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL)ના અમરેલી ડિવિઝન દ્વારા આ અભિયાનનું ઉદ્દેશ્ય એ છે કે સ્થાનિક લોકોને પર્યાવરણને અનુકૂળ અને આર્થિક રીતે લાભદાયી સોલાર પેનલ વ્યવસ્થા તરફ પ્રોત્સાહિત કરવું.
અભિયાનનો પ્રથમ તબક્કો સાવરકુંડલાના દેવાળા ગેટ વિસ્તારમાં ગૌશાળા પાસે શરૂ થયો છે. અહીં લોકોમાં જાગૃતિ લાવવા માટે શેરી નાટકોનું આયોજન કરવામાં આવ્યું છે. આ નાટકોમાં સ્થાનિક ભાષા અને સંસ્કૃતિને અનુરૂપ સંવાદો રજૂ કરીને લોકોને મનોરંજન સાથે જાગૃત કરવાનું આયોજન છે.
નાટકોમાં બતાવવામાં આવે છે કે કેવી રીતે વીજળીના અનાવશ્યક ઉપયોગ થી બિલ વધે છે અને કેવી રીતે સોલાર પેનલ સ્થાપિત કરવાથી લાંબા ગાળામાં ખર્ચ બચે છે. ઉદાહરણ તરીકે, નાટકમાં એક કુટુંબની વાર્તા બતાવવામાં આવે છે જેમાં દર્શાવવામાં આવે છે કે તે વિજળીના નિયમિત અને બુદ્ધિપૂર્વકના ઉપયોગથી કેવી રીતે બચત કરી શકે છે અને સોલાર પેનલથી કેવી રીતે સતત લાભ મેળવી શકે છે.
PGVCLના અધિકારીઓએ જણાવ્યું કે આ શેરી નાટકોનું માધ્યમ ખાસ કરીને ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં વધુ અસરકારક છે, કારણ કે લોકો આ માહિતી સરળતાથી સમજી શકે છે અને પોતાના જીવનમાં અપનાવી શકે છે.
આ પહેલ દ્વારા માત્ર વીજળી બચાવવાની જ નહીં, પરંતુ લોકોમાં પર્યાવરણપ્રેમ, નવીન ઉર્જા પ્રયોગો અને સોલાર પેનલના ફાયદા અંગે પણ જાગૃતિ લાવવામાં આવશે. PGVCLનું કહેવું છે કે આવી પ્રવૃત્તિઓ નિયમિત રીતે યોજી લોકોને સશક્ત બનાવવાનું હેતુ ધરાવે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai