
વડોદરા,8 નવેમ્બર (હિ.સ.) સમગ્ર શિક્ષા યોજના હેઠળ 6 થી 18 વર્ષની વયજૂથના એવા બાળકોનો સર્વે શરૂ કરવામાં આવ્યો છે, જે બાળકો ક્યારેય શાળાએ ગયાં નથી અથવા ધોરણ 1 થી 12 સુધીનું શિક્ષણ અધૂરું રાખ્યું છે. આ સર્વેમાં વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકોનો પણ સમાવેશ કરવામાં આવશે. આ સર્વેનો મુખ્ય હેતુ એ છે કે દરેક બાળકને શિક્ષણની મુખ્ય ધારામાં જોડવામાં આવે, તેમની ઓળખાણ કરી યોગ્ય ધોરણમાં નામાંકન થાય અને શિક્ષણથી વંચિત કોઈપણ બાળક ન રહે.
શાળા પ્રવેશોત્સવ દરમિયાન બાળકોને તેમની વય મુજબ યોગ્ય ધોરણમાં દાખલ કરવાની કામગીરી કરવામાં આવે છે. સાથે જ, ધોરણ-5 પાસ કરેલ તમામ બાળકો ધોરણ-6માં અને ધોરણ-8 પાસ કરેલ બાળકો ધોરણ-9માં નામાંકિત થાય તે માટે પણ આયોજન કરવામાં આવ્યું છે. શહેર અને આસપાસના એવા વિસ્તારો જ્યાં માનવ વસાહતો હોવા છતાં કેટલીક જગ્યાએ બાળકો શૈક્ષણિક પ્રવાહમાં જોડાયા નથી અથવા મધ્યમાં શિક્ષણ છોડી દીધું છે. એવા બાળકોની ઓળખાણ માટે આ સર્વે હાથ ધરવામાં આવ્યો છે.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તાર હેઠળ 01 થી 30 નવેમ્બર દરમિયાન આ સર્વે કામગીરી હાથ ધરવામાં આવશે. આ સમયગાળા દરમિયાન શાળાએ ક્યારેય ન ગયેલા, શાળા બહારના તેમજ વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા 6 થી 18 વર્ષની વયજૂથના તમામ બાળકોની માહિતી એકત્ર કરી ઓનલાઈન એન્ટ્રી કરવામાં આવશે.
સમગ્ર શિક્ષા, જીલ્લા પ્રોજેક્ટ કચેરી, વડોદરા કોર્પોરેશન તરફથી નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે જો તમારા સંપર્કમાં કે આસપાસ એવા બાળકો હોય, જે શાળામાં ભણતા નથી, તો કૃપા કરીને નજીકની સરકારી પ્રાથમિક શાળામાં સંપર્ક કરીને તેમનું નામાંકન કરાવવામાં સહયોગ આપો.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ