




પોરબંદર, 8 નવેમ્બર (હિ.સ.) : પોરબંદર જિલ્લાના વિસાવાડા ગામના પ્રગતિશીલ ખેડૂત હોથીભાઈ હાજાભાઈ કેશવાલાએ પ્રાકૃતિક કૃષિનો માર્ગ અપનાવીને માત્ર મબલક કમાણી જ નથી કરી, પરંતુ પોતાના પરિવારના સભ્યોના સ્વાસ્થ્યને પણ સુદૃઢ બનાવી અન્ય ખેડૂતો માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
કોરોનાના કપરા સમય દરમિયાન શહેર છોડીને પોતાના ગામડે પરત ફર્યા બાદ તેમને પ્રાકૃતિક કૃષિ કરવાનો વિચાર આવ્યો હતો. ગાય પ્રત્યેની લાગણી અને બાળપણની ગામડાની યાદોએ તેમને આ તરફ આકર્ષ્યા હતા. તેમનો આ વિચાર ટૂંક સમયમાં જ સંકલ્પમાં પરિણમ્યો. હોથીભાઈએ એક ગીર ગાય વસાવી અને પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી. શરૂઆતમાં જગ્યાના અભાવે ગાય આધારિત ખેતીમાં પડતી મુશ્કેલીઓને કારણે, તેમણે વધુ નફો આપતી શાકભાજીની પ્રાકૃતિક ખેતી પર ધ્યાન કેન્દ્રિત કર્યું.
હોથીભાઈના મતે, રાસાયણિક ખેતીની સરખામણીએ પ્રાકૃતિક ખેતીમાં આશરે 95% ખર્ચ ઓછો થાય છે, જ્યારે ઉત્પાદનની માત્રા લગભગ સમાન જળવાઈ રહે છે. તેઓ જીવામૃત અને ઘનજીવામૃતનો ઉપયોગ કરીને ઉત્તમ ગુણવત્તાવાળું ઉત્પાદન મેળવે છે.
તેઓ 6 વીઘા જમીનમાં ટમેટી, ચોળા, ગવાર, ભીંડી, કારેલા, ગલકા, જુમખડા, રીંગણ, દુધી જેવા શાકભાજી તેમજ તરબુજ, ટેટી જેવા ફળોની સફળતાપૂર્વક ખેતી કરી રહ્યા છે.
હોથીભાઈ વિશેષમાં જણાવે છે કે ગામડે આવીને પ્રાકૃતિક ખેતી અપનાવ્યા બાદ અને ભોજનમાં પ્રાકૃતિક ઉત્પાદનોનો ઉપયોગ શરૂ કર્યા બાદ, તેમના પરિવારનો દવાનો ખર્ચ 98% સુધી ઓછો થયો છે. તેઓ ગર્વભેર તેમની દીકરીનું ઉદાહરણ આપીને જણાવે છે કે પ્રાકૃતિક આહારને કારણે તે બીમાર પડવાનું પ્રમાણ નહિવત્ થઈ ગયું છે.
પ્રાકૃતિક કૃષિના ઉત્પાદનોના સીધા વેચાણ માટે હોથીભાઈએ એચ.એચ.કે. (હોથી હાજા કેશવાલા) નામની પોતાની પ્રાકૃતિક કૃષિની બ્રાન્ડ પણ શરૂ કરી છે. તેઓ પોરબંદર શહેરના પોતાના બાંધેલા ગ્રાહકોને તેમજ વધારાના ઉત્પાદનને માર્કેટિંગ યાર્ડમાં વેચે છે.
ગ્રાહકોને સુવિધા આપતા, તેઓ બે કે તેથી વધુ કિલોના ઓર્ડર પર પોરબંદરમાં ગમે ત્યાં હોમ ડિલિવરીની સેવા પણ પૂરી પાડે છે. આ માટે ગ્રાહકો 8347141010પર કોલ અથવા વોટ્સએપ મેસેજ કરીને પોતાનો ઓર્ડર નોંધાવી શકે છે.
હોથીભાઈ હાજાભાઈ કેશવાલાની પ્રાકૃતિક કૃષિની આ સફળ ગાથા અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણારૂપ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya