
અમરેલી,, 9 નવેમ્બર (હિ.સ.) અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના દરિયાઈ પંથકમાં ખેડૂતોની વ્યથા હવે આક્રોશ રૂપે ફાટી નીકળી છે. સતત કમોસમી વરસાદ અને ખેતરમાં પાણી ભરાવાના કારણે મગફળી અને ડુંગળી બંને પાકોનું ભારે નુકસાન થયું છે. જેના પરિણામે ખેડૂતો હવે તંગી અને નિરાશામાં ધકેલાઈ ગયા છે.
જાફરાબાદના મોટા માણસા ગામે ખેડૂત શૈલેષ જોગાણીએ પોતાની 16 વિઘાની જમીનમાં થયેલા મગફળીના પાથરા સળગાવી નાખ્યા. ખેતરમાં ઉભો પાક નષ્ટ થતા અને દેણાંના બોજે દબાયેલા ખેડૂતોએ કહ્યું કે, હવે ઉપાય તરીકે પાક સળગાવવાનો જ રસ્તો બચ્યો છે. ડુંગળીના ખેતરોમાં પણ પશુઓને ચરિયાણ માટે ખુલ્લા મુકવામાં આવ્યા છે.
શૈલેષ જોગાણી (ખેડૂત, મોટા માણસા) દેણું કરીને મગફળી અને ડુંગળી વાવ્યા, પણ વરસાદે બધું બગાડ્યું. હવે પાકમાં કશું બચ્યું નથી, તેથી સળગાવી દીધું. હવે દેવા માફી જ એક આશા છે.
ઘનશ્યામ શેખડા (સરપંચ, મોટા માણસા) ગામમાં મોટાભાગના ખેડૂતોનું આ જ હાલ છે. મગફળી સળગાવવી એ દુઃખની નહીં પણ લાચારગીની નિશાની છે. સરકાર તાત્કાલિક સહાય અને દેવા માફી પર નિર્ણય લે.
મોટા માણસા સાથે ખાંભાની નાની ધારી અને સાવરકુંડલાના આંબરડી ગામમાં પણ સમાન દૃશ્યો જોવા મળ્યા છે. નાની ધારીમાં ખેડૂતો મગફળીના પાથરા પર ટ્રેક્ટર ફેરવી પાકનો નાશ કર્યો, જ્યારે આંબરડી ગામે ખેડૂતોએ ખેતરમાં આગ લગાવી હતી.
ખેડૂતોની માંગ છે કે, પાકના આભારી નુકસાનને ધ્યાને લઈ સરકાર તરત દેવા માફી અને ખાસ રાહત પેકેજ જાહેર કરે. હાલની પરિસ્થિતિમાં જાફરાબાદ પંથકના ખેડૂતો માટે “દેવા માફી નહિ, તો ખેતી નહિ” જેવી સ્થિતિ સર્જાઈ છે.
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai