
ગીર સોમનાથ, 9 નવેમ્બર (હિ.સ.) : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરના કમોસમી વરસાદના કારણે સર્જાયેલ અસાધારણ સ્થિતિમાં ખેતી પાકોને થયેલા નુકસાનમાંથી ખેડૂતોને ઝડપભેર બેઠા કરવા માટે રૂ. ૧૦ હજાર કરોડ રૂપિયાનું ઐતિહાસિક સહાય પેકેજ જાહેર કર્યું છે. સરકારના આ નિર્ણય પ્રત્યે ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકાના કદવાર ગામના ખેડૂત ભગવાનભાઈ ખૂંટડે પોતાની ખુશી વ્યક્ત કરી હતી.
સૂત્રાપાડા તાલુકાના કદવાર ગામના ખેડૂત ભગવાનભાઈ પરબતભાઈ ખૂંટડે પ્રતિભાવ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, હાલના સમયમાં દિવાળી બાદ માવઠાની બદલે ભારે કમોસમી વરસાદ વરસ્યો હતો. ગીર સોમનાથ જિલ્લામાં અંદાજિત ૧૫ ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો. જેના કારણે ખેડૂતોને પારાવાર નુકસાની ભોગવવી પડી હતી.
ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતોના માંડવી, કપાસ, સોયાબીન વગેરે પાક નિષ્ફળ ગયા છે. આવી કપરી સ્થિતિમાં રાજ્ય સરકારે રૂ.૧૦ હજાર કરોડની આર્થિક સહાય જાહેર કરી છે. ખેડૂતોના વ્યાપક હિતમાં લેવાયેલો આ નિર્ણય પ્રશંસનીય છે. આ ઉપરાંત ભગવાનભાઈએ ટેકાના ભાવે ખરીદી પ્રત્યે પણ રાજીપો વ્યકત કર્યો હતો.
આ રીતે ખેડૂત ભગવાનભાઈ ખૂંટડે કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલી નુકસાની સામે રાજ્ય સરકારના ઐતિહાસિક પગલાંની સરાહના કરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ