
અમરેલી, 9 નવેમ્બર (હિ.સ.) : અમરેલી જિલ્લામાં આજથી ટેકાના ભાવ (MSP) અંતર્ગત મગફળી ખરીદીની સત્તાવાર શરૂઆત થઈ છે. જિલ્લામાં કુલ 13 ખરીદી કેન્દ્રોમાંથી પ્રથમ તબક્કામાં સાવરકુંડલા, બાબરા, બગસરા, ધારી અને રાજુલા ખાતે ટેકાના ભાવની ખરીદી શરૂ કરવામાં આવી છે. રાજ્ય સરકારે ખેડૂતોને યોગ્ય ભાવ મળે તે માટે ગુજકોમાસોલ દ્વારા ખરીદીની વ્યવસ્થા ઉભી કરી છે, પરંતુ પ્રથમ જ દિવસે ખેડૂતોના અસંતોષના અવાજો ઉઠી ગયા હતા.
સાવરકુંડલા ખાતે ધારાસભ્ય મહેશ કસવાળાની ઉપસ્થિતિમાં દીપ પ્રગટ્ય કરીને અને નાળિયેર વધેરીને ટેકાના ભાવના શુભ મુહૂર્તનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. શરૂઆતમાં માહોલ આનંદભર્યો હતો, પરંતુ થોડા સમય બાદ ભમ્મર ગામના ખેડૂતો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો.
ભમ્મરના ખેડૂતોએ આક્ષેપ કર્યો કે તેમણે 1 નવેમ્બરે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું, છતાં પણ ખરીદી માટે બીજા દિવસે રજીસ્ટ્રેશન કરાવનાર “જાણીતા અને પોતીકા” ખેડૂતોને પ્રથમ બોલાવવામાં આવ્યા હતા. ખેડૂતોનો આરોપ હતો કે ખરીદી પ્રક્રિયામાં પારદર્શિતા ન રાખી, “વ્હાલા દવલાની નીતિ” અપનાવવામાં આવી છે. જેના કારણે વાસ્તવિક અને સમયસર રજીસ્ટ્રેશન કરનારા ખેડૂતોને અન્યાયનો સામનો કરવો પડ્યો.
ઓઢાભાઈ ભૂંકણ (ખેડૂત, ભમ્મર)
અમે 1મીએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું છતાં આજે અમને બોલાવ્યા જ નથી. બીજા દિવસે કરનારાને બોલાવ્યા, એટલે ગુસ્સો આવ્યો.
નિર્મળ વાટલીયા (ખેડૂત, ભમ્મર)
અમને લાગે છે કે જાણીતા ખેડૂતોને પ્રાથમિકતા આપી છે. અમારો ન્યાય કરો.
ખેડૂતોએ ગુજકોમાસોલના ડાયરેક્ટર દીપક માલાણી સાથે પણ જીભાજોડી કરી હતી. પરિસ્થિતિ વધુ બગડે તે પહેલાં સ્થળ પર વન-પોલીસ અને ખેતીવાડી અધિકારીઓ પહોંચી ગયા હતા. બાદમાં ભમ્મરના ખેડૂતોની રજૂઆત જિલ્લા ખેતીવાડી અધિકારી જે.કે. કાનાણી સુધી પહોંચી.
મહેશ કસવાળા (ધારાસભ્ય, સાવરકુંડલા) :
ખેડૂતોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે અમે સત્તાવાર રીતે સૂચના આપી છે. ખરીદીમાં પારદર્શિતા રહે તે માટે તમામ વિભાગોને ચેતવણી આપી છે.
રાજાભાઈ બારડ (પ્રતિનિધિ, ગુજકોમાસોલ) :
રજીસ્ટ્રેશન મુજબ ખેડૂતોને બોલાવવામાં આવશે. કોઈ પણ પ્રકારનો ભેદભાવ ન રાખવામાં આવશે.
આ ઘટના બાદ ખેતીવાડી અધિકારી જે.કે. કાનાણી પોતે સાવરકુંડલા ખરીદી કેન્દ્ર પર પહોંચ્યા હતા અને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. તેમણે સ્થળ પર હાજર રહીને ગુજકોમાસોલના અધિકારીઓને સૂચના આપી કે ખેડૂતોને મુશ્કેલી ન પડે તેવી વ્યવસ્થા સુનિશ્ચિત કરવી.
જે.કે. કાનાણી (જીલ્લા ખેતીવાડી અધિકારી, અમરેલી) :
પ્રથમ દિવસ છે, ટેકનિકલ સમસ્યાઓ હોઈ શકે, પરંતુ અમે તમામ સેન્ટરો પર સતત મોનીટરીંગ કરી રહ્યા છીએ. ખેડૂતોને અનુકૂળ વાતાવરણ આપવા માટે પૂરતી તકેદારી રાખવામાં આવશે.
આ રીતે અમરેલી જિલ્લામાં ટેકાના ભાવ હેઠળ મગફળી ખરીદીની શરૂઆત તો થઈ ગઈ, પરંતુ પ્રથમ જ દિવસે થયેલા હોબાળાએ સ્પષ્ટ કરી દીધું છે કે ખરીદી વ્યવસ્થામાં પારદર્શિતા અને સમાનતા જાળવવી એ જ ખેડૂતોનો મુખ્ય મુદ્દો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai