
અમરેલી, 9 નવેમ્બર (હિ.સ.) : અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાનો દરિયાકિનારો ફરી એકવાર સિંહોની હાજરીથી ચર્ચામાં આવ્યો છે. જાફરાબાદના સરવડા ગામમાં ગત મધરાતે બે સિંહો બિન્દાસ રીતે ગામની શેરીમાં ફરતા જોવા મળ્યા હતા. ગામના સીસીટીવી કેમેરામાં આ સિંહોનું સમગ્ર દૃશ્ય કેદ થયું છે, જેમાં બંને સિંહો નિર્ભય રીતે એક ઘર પાસેથી પસાર થતા અને શિકારની શોધમાં આસપાસ ચક્કર મારતા નજરે પડે છે.
ગામ લોકોના જણાવ્યા મુજબ, રાત્રિના સમયે અચાનક કૂતરાંઓના ભસવાથી ગામલોકો ચોંકી ઉઠ્યા અને બહાર જોયું તો બે પુખ્ત સિંહો શેરીમાં ફરી રહ્યા હતા. ઘટનાની જાણ થતાં જ જાફરાબાદ રેન્જના વન અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. વનવિભાગ દ્વારા ગામના પ્રવેશદ્વારોએ ચેતવણીના બોર્ડ લગાવવામાં આવ્યા છે અને ગામલોકોને રાત્રે ઘરની બહાર ન નીકળવા સૂચના આપવામાં આવી છે.
આ વિસ્તાર અરબી સમુદ્રની પાસે આવેલ હોવાથી અહીં દર વર્ષે અનેકવાર સિંહોની હાજરી જોવા મળે છે. ખાસ કરીને હિપાવાદ, બારડા, અને સરવડા જેવા વિસ્તારોમાં સિંહો ખોરાક અને પાણીની શોધમાં દરિયાકાંઠા તરફ લટાર મારતા હોય છે. સ્થાનિક લોકો હવે આ દૃશ્યોથી પરિચિત થઈ ગયા છે, પરંતુ તાજેતરના વાયરલ વીડિયોએ ફરી એકવાર સૌને ચોંકાવી દીધા છે.
વનવિભાગે જણાવ્યું છે કે સિંહો હાલમાં જંગલ વિસ્તારમાં પાછા વળી ગયા છે, અને તેમની હલચલ પર સતત મોનીટરીંગ ચાલુ છે. જાફરાબાદનો દરિયાકાંઠો હવે ફરી સિંહરાજાના રાજથી ગુંજી ઉઠ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai