
પાટણ, 9 નવેમ્બર (હિ.સ.) : પાટણ જિલ્લા પંચાયતની મહત્વપૂર્ણ ખાસ સભા પ્રમુખ હેતલ ઠાકોરની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત સ્વર્ણિમ હોલ ખાતે મળી હતી. બેઠકની શરૂઆત સામાન્ય સભાની કાર્યનોંધ મંજૂરી અને અગાઉના નિર્ણયો પર લેવાયેલા પગલાંના અહેવાલના અવલોકનથી કરવામાં આવી હતી. મહેસુલ વર્ષ 2020-21 થી 2023-24 દરમિયાન મળેલ ₹1.57 કરોડ લોકલ ફંડ સેસ ગ્રાન્ટમાંથી ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 154ની અનુસૂચિ ત્રણ મુજબના વિકાસ કાર્યો હાથ ધરવા મંજૂરી અપાઈ હતી.
સભામાં કોંગ્રેસના નેતા અશ્વિન પટેલે ત્રણ મહિના દરમિયાન સમિતિની બેઠક ન યોજનાર શાખાધિકારીઓને નોટિસ આપવા રજૂઆત કરી હતી. ઉપપ્રમુખ ગોવિંદ માલધારીએ અશ્વિન પટેલની કાર્યશૈલીની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે તેઓ લાંબા સમય સુધી વિરોધ પક્ષના નેતા તરીકે રહી પંચાયતને માર્ગદર્શન આપે તેવી અપેક્ષા છે. ઉપપ્રમુખે સ્ટેમ્પ ડ્યુટીની ₹2.25 કરોડ જેટલી ગ્રાન્ટમાંથી વિકાસ કાર્યોનું આયોજન કરવા પ્રમુખને સત્તા સોંપવાની દરખાસ્ત કરી, જેને સર્વાનુમતે મંજૂરી મળી.
રાધનપુર તાલુકાની જેતલપુરા જૂથ ગ્રામ પંચાયતનું વિભાજન કરી જુદી-જુદી ગ્રામ પંચાયતો બનાવવાની દરખાસ્ત વિકાસ કમિશનરને મોકલવાનો નિર્ણય લેવાયો હતો. ઉપરાંત સિદ્ધપુર, સરસ્વતી અને હારીજ તાલુકાના ત્રણ ગામોમાં નવીન સ્થાયી પશુ દવાખાનાની સ્થાપના માટેની દરખાસ્તને મંજૂરી આપી પશુપાલન નિયામકને મોકલવાનું નક્કી થયું. વર્ષ 2024-25ના સુધારેલા અને 2025-26ના વાર્ષિક અંદાજપત્રમાં ગ્રાન્ટની રકમમાં સુધારો કરી નવી જોગવાઈ ઉમેરવામાં આવી. બેઠકમાં ધારાસભ્ય લવિંગજી ઠાકોર, ઉપપ્રમુખ ગોવિંદ માલધારી, ઈન્ચાર્જ ડીડીઓ વી.સી. બોડાણા સહિત અધિકારીઓ અને ચૂંટાયેલા સભ્યો હાજર રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ