
પાટણ, 9 નવેમ્બર (હિ.સ.) : પાટણ શહેરમાં ભૂગર્ભ ગટર સફાઈ માટેનું નગરપાલિકાનું જેટીંગ મશીન શહેરમાં ઉપયોગ કરવા બદલે અન્ય જિલ્લાનાં ગામે મોકલાતા શહેર કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસે આક્ષેપ કર્યો કે શહેરમાં ઠેરઠેર ગટર ઉભરાઈ રહી છે છતાં પણ સફાઈનું કામ સમયસર થતું નથી. છતાં પાલિકા દ્વારા 6 નવેમ્બરના રોજ ઊંઝા તાલુકાના વિશોળ ગામે પાટણ નગરપાલિકાનું જેટીંગ મશીન મોકલાયું હતું.
કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું કે જ્યારે પાટણ શહેરમાં નાગરિકો ગટર ઉભરાવાની સમસ્યા સામે ત્રસ્ત છે, ત્યારે પાલિકાનું મશીન બહારગામમાં ઉપયોગમાં લેવાઈ રહ્યું છે. અનેક રજૂઆતો છતાં નગરપાલિકા દ્વારા શહેરની ચેમ્બરોમાં જેટીંગ મશીનનો ઉપયોગ કરવામાં આવ્યો નહોતો, જે નાગરિકો માટે અયોગ્ય છે.
કોંગ્રેસ પ્રમુખ દીપક પટેલે આરોપ લગાવ્યો કે જેટીંગ મશીન બહારગામ મોકલવા માટે કોઈ ઠરાવ કે મંજૂરી આપવામાં આવી નથી અને તેની કોઈ કિંમત પણ નક્કી કરાઈ નથી. તેમણે માંગ કરી કે કોણે મૌખિક કે લેખિત આદેશ આપી મશીન ઊંઝાના વિશોળ ગામે મોકલ્યું તેની તપાસ કરીને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવી જોઈએ.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ