
પાટણ, 9 નવેમ્બર (હિ.સ.) : પાટણ શહેરમાં પ્રજાપતિ સમાજના ઇષ્ટદેવ ભગવાન પદ્મનાભજીનો સપ્તરાત્રી મેળો ધામધૂમપૂર્વક ચાલી રહ્યો છે. કાર્તિકી પૂનમથી શરૂ થયેલા આ મેળામાં રોજિંદી રીતે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભગવાનના દર્શનનો લાભ લઈ રહ્યા છે. છેલ્લા છ દિવસથી ચાલતા મેળામાં હજારો લોકો ઉમટી પડતાં ભવ્ય ધાર્મિક માહોલ સર્જાયો છે.
દૂર દૂરથી આવેલા પ્રજાપતિ સમાજના ભક્તો મેળામાં ભાગ લઈ આનંદ માણી રહ્યા છે. પાટણ શહેર તેમજ આજુબાજુના ગામોના લોકો પણ આ મેળાની રોશની અને ઉત્સાહનો આનંદ લઈ રહ્યા છે. મેળા સ્થળે ચકડોળ, ચકરડી જેવી વિવિધ રાઇડ્સમાં બાળકો અને યુવાનો મનોરંજન કરી રહ્યા છે.
મેળા સ્થળ આખું પ્રકાશથી ઝળહળી ઉઠ્યું છે અને ખાણીપીણીના સ્ટોલ પર લોકોએ વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓનો આનંદ માણ્યો હતો. આ સપ્તરાત્રી મેળો પાટણ શહેરમાં ધાર્મિક આસ્થા અને આનંદનું અનોખું કેન્દ્ર બની રહ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ