
જામનગર, 9 નવેમ્બર (હિ.સ.) : જામનગર જિલ્લા પોલીસ તથા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત ભારત સરકારના ત્રણ નવા ફોજદારી કાયદા (1) ભારતીય ન્યાય સંહિતા (2) ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા અને (3) ભારતીય સાક્ષય અધિનિયમ ની થીમ ઉપર વિવિધ સ્પર્ધાનું આયોજન ઓનલાઇનથી કરવામાં આવ્યું હતું. જેના પ્રથમ ત્રણ વિજેતાઓને જાહેર કર્યા બાદ તેઓને સન્માનિત કરવા માટેનો એક કાર્યક્રમ જિલ્લા પોલીસવડા ની કચેરીના કોન્ફરન્સ હોલમાં યોજાયો હતો.
આ સમારોહમાં જિલ્લા પોલીસ વડા ડો. રવી મોહન સૈની, જામનગરના એસ.સી.એસ.ટી. સેલના ડી.વાય.એસ.પી. અને સમગ્ર સ્પર્ધાના નિરીક્ષક તરીકે રહેલા મીત રુદલાલ, તેમજ સુરક્ષા સેતુ સોસાયટી ના કો.ઓર્ડિનેટર પૂર્વ પીએસઆઇ હસમુખભાઈ ગોહિલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
જામનગર જિલ્લા સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા જે ત્રણ સ્પર્ધાઓ જાહેર કરવામાં આવી હતી, જેમાં ઇ-મેઇલ આઇ.ડી.માં સ્પર્ધકોએ પોતાની કૃતિઓની નોંધણી કરાવવા જણાવાયું હતું. જેની કમિટી દ્વારા ચકાસણી કરવામાં આવી હતી, અને ત્રણેય સ્પર્ધાના પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિજેતાઓ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં ચિત્ર સ્પર્ધામાં આશિષ ઉપેન્દ્ર મહેતા પ્રથમ સ્થાને, ધર્મેશ ઈન્દુલાલ લીયા બીજા સ્થાને, અને રાજવીર અજય ચૌહાણ ત્રીજા ક્રમે વિજેતા થયા હતા.
આ ઉપરાંત ઓડીઓ સ્પર્ધામાં રચના દિનેશભાઈ ત્રિવેદી પ્રથમ સ્થાને, અપેક્ષા પ્રવીણભાઈ જોશી બીજા સ્થાને, અને સ્નેહા સંજયભાઈ ચોપડા ત્રીજા સ્થાને વિજેતા જાહેર થયા છે.
ઉપરાંત વિડીયો સ્પર્ધામાં જય વિપુલભાઈ પ્રથમ સ્થાને, કરણ લાલચંદ્રા ચાંગલાણી બીજા સ્થાને અને મીતાબેન સંજયભાઈ દોશી ત્રીજા સ્થાને વિજેતા થયા છે. જે તમામ વિજેતાઓને પુરસ્કૃત કરવા માટેનો એક સમારોહ યોજાયો હતો. જેમાં ચિત્ર સ્પર્ધામાં અનુક્રમે 5,000, 3,000 અને 2,000 નો રોકડ પુરસ્કાર અને શિલ્ડ વગેરે જિલ્લા પોલીસવડા ડો. રવિ મોહન સૈની ના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત ઓડિયો સ્પર્ધામાં અનુક્રમે 15,000, 10,000 અને 5,000 તેમજ મોમેન્ટો અને વિડિયો સ્પર્ધામાં અનુક્રમે 20,000, 15,000 અને 10,000 હજાર નો રોકડ પુરસ્કાર અને મોમેન્ટો એનાયત કરાયા હતા. જામનગર જિલ્લાના પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની દ્વારા દરેક ભાગ લેનાર અને વિજેતા થનાર સ્પર્ધક ની કૃતિને નિહાળી ને વિજેતાઓને અભિનંદન પાઠવ્યા હતા, ઉપરાંત ત્રણેય સ્પર્ધામાં કુલ 100 જેટલી એન્ટ્રી આવી હતી.
જે તમામ ભાગ લેનાર સ્પર્ધકોને પણ શુભેચ્છા પાઠવવામાં આવી હતી. ભારત સરકારના નવા ત્રણ કાયદાઓ ની લોકોને જાણકારી મળી રહે, અને લોકોમાં અવેરનેશ અને લોક જાગૃતિ કેળવાય તેવા ઉદ્દેશ્યથી યોજાયેલી આ સ્પર્ધાઓમાં લોકોએ ખૂબ જ ઉત્સાહ દાખવ્યો છે, તે સંદર્ભે પણ સર્વે ને બિરદાવ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt