
સુરત, 10 ડિસેમ્બર (હિ.સ.)-શહેરના સીટી લાઈટ વિસ્તારમાં રહેતા અને સચિન હોજીવાલા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ખાતું ધરાવતા કાપડના વૃદ્ધ વેપારીને ઠગ બાજ વેપારીઓ ભેટી ગયા હતા. કાપડ દલાલ મારફતે સંપર્કમાં આવેલા સારોલી વિસ્તારમાં આવેલ ટેક્સટાઇલ માર્કેટ અને રીંગરોડ પર આવેલ ટેક્સટાઇલ માર્કેટના ઠગબાજ વેપારીઓએ વિશ્વાસ ઉભો કરી અલગ-અલગ સમયે વૃદ્ધ પાસેથી રૂપિયા 2.95 કરોડનો કાપડનો માલ ખરીદી કર્યો હતો. જોકે ત્યારબાદ આ તમામ ઠગબાજ વેપારીઓએ ભેગા મળી વૃદ્ધને એક પણ રૂપિયો નહીં ચૂકવી હાથ ઊંચા કરી લીધા હતા. જેથી આખરે ભોગ બનનાર વેપારીએ આ મામલે સચિન જીઆઇડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
બનાવની વિગત એવી છે કે સીટી લાઈટ વિસ્તારમાં આવેલ સંગમપાર્ક માં રહેતા 64 વર્ષીય ગિરધારીલાલ બાબુલાલ અગ્રવાલ કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા છે. શહેરના સચિન હોજીવાલા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં તેમની કાપડની પેઢી આવેલી છે. વર્ષ 2025 માં કાપડ દલાલ છુત્રારામ ઉર્ફે ભરત શંકરલાલ ચૌધરી (રહે-34/બી , ત્રીજો માળ, ન્યુ સારોલી નગરી, મોઠલ ટાઉન રેસીડેન્સીની પાછળ, સારોલી) (દુકાન નં-સી/ઓ ૧૦૧૮ જે.જે.એ.સી, માર્કેટ રીંગરોડ) અને દિનેશ કુમાવત (રહે-બી/૨૦૯, પ્રિંયકા ટાઉનશીપ, પુણાગામ) (દુકાન નં-1038, વી.ટી.એમ માર્કેટ, રીંગરોડ) મારફતે અવધેશ સંપત શર્મા (દુકાન નં-જે-531, પાંચમો માળ, જાપના માર્કેટ, દિલ્લી ગેટ), (દુકાન નં-140, ગોલ્ડન પોઇન્ટ, સહારા દરવાજા), (પ્લોટ નં-1 થી 3 અરિહંત ઇન્ડસ્ટ્રીઅલ, સોમા કાનજીની વાડી, ખટોદરા), (રહે-પ્લોટ નં-204, ગીતાનગર, ડુંભાલ પરવત પાટીયા), (રહે, બીજો માળ, અંબિકા સોસાયટી, સાલાસાર સોસાયટી પાસે, મોડલ ટાઉન, પર્વતગામ (મુળ વતન-શાહપુરા, ડીસ્ટ્રીક્ટ-સીકર, રાજસ્થાન) તથા અલી (રહે-પ્લોટ નં-1 થી 3, અરિહંત ઇન્ડસ્ટ્રીઅલ, સોમા કાનજીની વાડી, ખટોદરા) (રહે-સપ્તીશ્રૃગી માતાના મંદિર પાસે, સલાબતપુરા) અને આબીદ (રહે-પ્લોટ નં-1 થી 3, અરિહંત ઇન્ડસ્ટ્રીઅલ, સોમા કાનજીની વાડી, ખટોદરા) (રહે, સપ્તી શ્રૃગી માતાના મંદિર પાસે, સલાબતપુરા) સંપર્કમાં આવ્યા હતા.
શરૂઆતમાં તેઓએ કાપડનો માલ ખરીદી સમયસર પૈસા ચૂકવી વિશ્વાસ સંપાદન કર્યો હતો. ત્યારબાદ તારીખ 1/4/2025 થી તારીખ 18/8/2025 ના સમયગાળાની અંદર આ તમામ ઠગબાજ વેપારીઓએ ભેગા મળી ગિરધારીલાલ પાસેથી રૂપિયા 2.95 કરોડનો કાપડનો માલ ખરીદી કર્યો હતો. જેનું પેમેન્ટ માત્ર 45 દિવસમાં ચૂકવી આપવાનો વાયદો આપ્યો હતો. પરંતુ આજ સુધી આ રકમ નહીં ચૂકવી પૈસા આપવામાં ગલ્લા ગલ્લા કરી સમય પસાર કર્યો હતો. જેથી આખરે ભોગ બનનાર ગિરધારી લાલે પૈસાની ઉઘરાણી કરવા છતાં પણ ઠગ બાજ વ્યક્તિઓએ એક પણ રૂપિયો નહીં આપી હાથ ઊંચા કરી દીધા હતા. જેથી આખરે ભોગ બનનાર ગિરધારીલાલ અગ્રવાલ એ સચિન જીઆઇડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે રૂપિયા 2.95 કરોડની છેતરપિંડીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે