
પાટણ, 10 ડિસેમ્બર (હિ.સ.)પાટણ જિલ્લાના હારીજ નજીક માંસા–પાટણ માર્ગ પર વહેલી સવારે બે આઇશર ટ્રકો વચ્ચે જોરદાર ટક્કર થતાં ભીષણ આગ લાગી હતી. માંસા કેનાલ ઉપર બનેલા આ ગમખ્વાર અકસ્માતમાં કુલ રૂ. 1.24 કરોડનો માલસામાન બળીને નષ્ટ થઈ ગયો, જેમાં 620 સોલાર પ્લેટો પણ સામેલ હતી.
માહિતી મુજબ, પીલુડા સ્થિત પ્રોજલ ગ્રીન એનર્જી લિમિટેડ કંપનીમાંથી સોલાર પ્લેટો ભરેલી ટ્રકનો ડ્રાઇવર કૈલાશક્રિશનીયા ચૌધરીએ રોડ પર આવેલી નિલગાયને બચાવવા અચાનક બ્રેક મારી હતી. પાછળથી આવી રહેલી બીજી ટ્રકના ડ્રાઇવર સોમવીર ભુપસિંહ પ્રજાપતીએ બેદરકારીપૂર્વક વાહન હાંકતા આગળની ટ્રકને જોરદાર ટક્કર મારી હતી.
ભારે ટક્કરથી કૈલાશક્રિશનીયા ચૌધરીને માથામાં ઈજા પહોંચી હતી. ત્યારબાદ પાછળની ટ્રકના એન્જિનમાં લાગેલી આગ ઝડપથી બંને ટ્રકોમાં ફેલાઈ ગઈ અને આગે બંને વાહનો તથા તેમાં ભરેલી 620 સોલાર પ્લેટોને પૂર્ણતઃ ભસ્મ કરી નાખ્યાં.
સળગી ગયેલી સોલાર પ્લેટોની કિંમત અંદાજે રૂ. 70 લાખ અને બંને ટ્રકોનું મૂલ્ય રૂ. 54 લાખ જેટલું થતું હોવાનું જાણવા મળ્યું. હારીજ પોલીસે બેદરકારીપૂર્વક ડ્રાઇવિંગ કરનાર ડ્રાઇવર સોમવીર ભુપસિંહ પ્રજાપતી સામે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા તથા મોટર વાહન અધિનિયમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ