
જામનગર, 10 ડિસેમ્બર (હિ.સ.) : જામનગર શહેરમાં આજથી 32 વર્ષ પહેલા એક આરોપી સામે છેતરપીંડી સહિતના ગુનાઓ નોંધાયેલ હતા, જે ગુનામાં આરોપી આજ દિન સુધી નાસતો ફરતો હોય જેને પેરોલ ફર્લો સ્કવોર્ડની ટીમે બાતમીના અધારે વડોદરા ખાતેથી ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી વિગત મુજબ જામનગર શહેરમાં આવેલ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં આજથી 32 વર્ષ પહેલા 1994માં ઈપીકો 406, 420 વિગેરે મુજબનો ગુનો કેતન આંબલાલ પટેલ (રહે. પટેલ કોલોની, જામનગર) નામના શખ્સ સામે નોંધાયો હતો. પોલીસ તપાસ કરતા આ આરોપી તથા તેનો પરિવાર ગુનો નોંધાયા બાદ જામનગર છોડીને ચાલ્યા ગયા હતા, અને આરોપી આજદિન સુધીનાસતો ફરતો હતો.
જામનગર પેરોલફર્લો સ્કવોર્ડની ટીમે તપાસ કરતાં આરોપી કેતન પટેલ કન્સ્ટ્રક્શનનો ધંધો કરતો હતો, અને લવકુશ એપાર્ટમેન્ટમાં ફલેટ આપવાનું કહી ગ્રાહકો જોડે છેતરપીંડી આચરી હતી, જેથી ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ જામનગરની પોલીસ ટીમે તપાસ હાથ ધરી હતી અને લવકુશ નામની સોસાયટી કે એપાર્ટમેન્ટના કામ ક્યાં ક્યાં ચાલુ છે.
બાદમાં પોલીસ ટીમને બાતમી મળી હતી કે આરોપી કેતન પટેલ દ્વારા વડોદરાના વડસર ખાતે લવકુશ સોસાયટી બનાવવામાં આવી હતી, જેથી કેતન પટેલને પીએસઆઈ એમ.વી. ભાટીયાના માર્ગદર્શન હેઠળ વડોદરાથી ઝડપી લઈ સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં સુપ્રત કરી આપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt