

પાટણ, 10 ડિસેમ્બર (હિ.સ.) : હારીજ તાલુકાના ગોવના ગામે ખેતરમાં ચરતા સમયે એક ભેંસને કરંટ લાગવાથી તેનું મોત થયું. ખેતર માલિક અંબારામભાઈ ખેંગારભાઈ દેસાઈની ભેંસો દિવેલાના બે ખેતર વચ્ચેની સેઢી પર ચરી રહી હતી ત્યારે આ દુર્ઘટના બની હતી.
ટ્યુબવેલ લાઇનનો તૂટેલો વીજવાયર જમીન પર પડેલો હોવાથી એક ભેંસ તેના સંપર્કમાં આવતા ઘટનાસ્થળે જ મોતને ભેટી. યુજીવીસીએલની બેદરકારીના કિસ્સાઓ આ વિસ્તારમાં અગાઉ પણ સામે આવ્યા છે, છતાં ઢીલા વીજવાયરોના સમયસર સમારકામ ન થતાં આવી ઘટના બની હોવાનું કહેવાય છે. મૃત્યુ પામેલી ભેંસની કિંમત અંદાજે સવા લાખ રૂપિયા જેટલી હતી.
ઘટનાની જાણ થતાં પશુ ડોકટરે આવી પોસ્ટમોર્ટમ કર્યું અને બાદમાં યુજીવીસીએલની ટીમે પહોંચીને પંચનામું કર્યું. ભેંસ માલિકે આ અંગે હારીજ પોલીસ સ્ટેશનમાં લેખિત જાણ પણ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ