
સુરત, 10 ડિસેમ્બર (હિ.સ.)-કેન્દ્રિય જળ શક્તિ મંત્રી અને નવસારીના સાંસદ સી. આર. પાટીલે નવસારી અને સુરતના કલેક્ટરને પત્ર લખી ખાસ વિનંતી કરી છે કે વિવિધ બેંકોમાં વર્ષોથી પડ્યા રહેલા ભૂલાયેલા ડિપોઝીટ (Unclaimed Deposits) ને સંબંધિત ખાતાધારકના પરિવારજનો સુધી પરત પહોંચાડવા તાત્કાલિક કાર્યવાહી શરૂ કરવામાં આવે.
અતીતમાં ઘણા લોકોએ અલગ-અલગ બેંકોમાં ખાતા ખોલાવ્યા હતા, પરંતુ મોટા ભાગે નોમિની વિગત પૂરાઈ નહોતી. ખાતાધારકના અવસાન બાદ, પરિવારજનોને બેંકમાંથી પૈસા મેળવવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સી. આર. પાટીલએ ચિંતા વ્યક્ત કરી છે અને કલેક્ટરને પત્ર લખીને એવા તમામ ખાતાઓની ઓળખ કરીને પરિવારજનોને તેમની હક્કની રકમ પરત અપાવવાની માંગ કરી છે.
તેમણે જણાવ્યું કે નોમિની વગરના ખાતામાં પડેલા રૂપિયાં મેળવવા માટે પરિવારજનોને—વારંવાર બેંકના ચક્કર લગાવવા પડે છે,લાંબી કાનૂની પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે અને જરૂરી દસ્તાવેજો ન મળતાં મુશ્કેલી વધુ વધી જાય છે.
આવી પરિસ્થિતિમાં કોઈ વ્યક્તિને હાલાકી ન પડે તે હેતુસર પાટીલજીએ કલેક્ટરને વિનંતી કરી છે કે પ્રશાસન સક્રિય ભૂમિકા ભજવશે અને બેંકો સાથે સમન્વય સાધીને આવા ભૂલાયેલા ડિપોઝીટ યોગ્ય હકદાર પરિવારજનોને પરત અપાશે.
આ પહેલથી અનેક એવા પરિવારોને રાહત મળશે, જેમનાં સ્વજનોે વર્ષો પહેલાં બેંકમાં રૂપિયા મુકી દીધા હતા પરંતુ નોમિની ન હોવાથી અને માહિતીના અભાવે તે રકમ પરિવાર સુધી પહોંચી શકી નહોતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે