જામનગરના સિક્કામાં સગર્ભા આંગણવાડી વર્કરના મોત બાદ ઉગ્ર રોષ વ્યાપ્યો : સુપરવાઈઝરને સસ્પેન્ડ કરાયો
જામનગર, 10 ડિસેમ્બર (હિ.સ.) જામનગર નજીક આવેલા સિક્કામાં એક સગર્ભા આંગણવાડી વર્કરના અકાળે અવસાન બાદ વિવાદ વકર્યો હતો. આંગણવાડી બહેનો દ્વારા સુપરવાઈઝર પર ત્રાસના ગંભીર આક્ષેપો સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવતા આખરે તંત્ર હરકતમાં આવ્યું છે અને
આંગણવાડી મહિલાનું મોત


જામનગર, 10 ડિસેમ્બર (હિ.સ.) જામનગર નજીક આવેલા સિક્કામાં એક સગર્ભા આંગણવાડી વર્કરના અકાળે અવસાન બાદ વિવાદ વકર્યો હતો. આંગણવાડી બહેનો દ્વારા સુપરવાઈઝર પર ત્રાસના ગંભીર આક્ષેપો સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવતા આખરે તંત્ર હરકતમાં આવ્યું છે અને જવાબદાર સુપરવાઈઝરને ફરજ મોકૂફ કરી દેવામાં આવ્યા છે.પ્રાપ્ત વિગતો અનુસાર સિક્કામાં આંગણવાડી 178માં ફરજ બજાવતા લીલાબેન નાથાભાઈ પરમાર ગર્ભવતી હતા. તાજેતરમાં તેઓ આંગણવાડીની પત્રક મિટિંગમાં ગયા હતા, જ્યાં અચાનક તેમની તબિયત લથડી હતી. સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થતાં સાથી આંગણવાડી બહેનોમાં શોક સાથે રોષની લાગણી ફેલાઈ હતી.આંગણવાડી બહેનોએ આક્ષેપ કર્યો હતો કે સુપરવાઈઝર ભાનુબેન જાદવ દ્વારા કર્મચારીઓને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. લીલાબેન ગર્ભવતી હોવા છતાં તેમને રજા આપવામાં આવતી ન હતી, જેના કારણે આ દુઃખદ ઘટના બની હોવાનો દાવો કરાયો હતો.આ મુદ્દે રોષે ભરાયેલી આંગણવાડી બહેનોએ તાલુકા અને જિલ્લા પંચાયત ICDS કચેરી ખાતે પહોંચીને જોરદાર સૂત્રોચ્ચાર સાથે ધરણા કર્યા હતા. કર્મચારીઓએ ચીમકી ઉચ્ચારી હતી કે જો સુપરવાઈઝરના ત્રાસમાંથી મુક્તિ નહીં મળે તો તેઓ ઉપવાસ આંદોલન પર ઉતરશે અને સામૂહિક રાજીનામાં આપશે.સમિતિની રચના આંગણવાડી બહેનોના ઉગ્ર વિરોધ અને રજૂઆતને પગલે પ્રોગ્રામ ઓફિસર દ્વારા તાત્કાલિક અસરથી સુપરવાઈઝર ભાનુબેન જાદવને ફરજ મોકૂફ (સસ્પેન્ડ) કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત, સુપરવાઈઝર સામે થયેલા આક્ષેપો અને સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવા માટે એક સમિતિની પણ રચના કરવામાં આવી છે. આ સમિતિ આગામી દિવસોમાં તપાસ કરી પોતાનો રિપોર્ટ સોંપશે.

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande