જામનગર પોલીસે છુટ્ટા હાથે બાઇક ચલાવી સ્ટંટ કરતા શખ્સને ઝડપી લઈ માફી મંગાવી
જામનગર, 10 ડિસેમ્બર (હિ.સ.) : જામનગર કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર (નેત્રમ) દ્વારા સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા બાઈક સ્ટંટના વીડિયો અંગે કાર્યવાહી કરવામાં આવી છે. દિવ્યેશ ડોન ઉર્ફે દિવ્યેશ શૈલેષભાઈ વાઘેલા નામના યુવક સામે સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમા
સ્ટંટબાજની ધરપકડ કરાઈ


જામનગર, 10 ડિસેમ્બર (હિ.સ.) : જામનગર કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર (નેત્રમ) દ્વારા સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા બાઈક સ્ટંટના વીડિયો અંગે કાર્યવાહી કરવામાં આવી છે. દિવ્યેશ ડોન ઉર્ફે દિવ્યેશ શૈલેષભાઈ વાઘેલા નામના યુવક સામે સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની, ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક પ્રતિભા અને નાયબ પોલીસ અધિક્ષક વી.કે. પંડ્યાની સૂચના મુજબ, ભયજનક ડ્રાઇવિંગ અને બાઈક સ્ટંટ કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા આદેશ અપાયો હતો.

આ સૂચનાના અનુસંધાને, 3 ડિસેમ્બર, 2025ના રોજ એક બાઈક સ્ટંટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વીડિયો કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના ધ્યાને આવતા, 9 ડિસેમ્બર, 2025ના રોજ PSI બી.બી. સિંગલની સૂચનાથી તપાસ શરૂ કરાઈ હતી. એ.એસ.આઈ. પરેશભાઈ ખાણધર, પો.કોન્સ. સંજયભાઈ જોડ, રેખાબેન દાફડા, મિતલબેન સાવલીયા અને પારૂલબા જાડેજા સહિતના અધિકારીઓ અને કર્મચારીઓએ હ્યુમન સોર્સના આધારે તપાસ કરી. તપાસમાં જાણવા મળ્યું કે સ્ટંટ કરનાર મોટરસાયકલનો નંબર GJ-10-DL-0739 હતો.

ITMS સોફ્ટવેરમાં આ મોટરસાયકલની મુવમેન્ટ ચેક કરતા, વાયરલ રીલ્સ સાથે સરખામણી કરીને બાઈક સ્ટંટ કરનારની ઓળખ થઈ. RTO ડેટા તપાસતા, તે જામનગરના શંકર ટેકરી વિસ્તારનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું.

પરેશભાઈ ખાણધર અને સંજયભાઈ જોડે શંકર ટેકરી વિસ્તારમાં તપાસ કરતા, મોટરસાયકલ ચાલક તેના નિવાસસ્થાનેથી મળી આવ્યો. પૂછપરછમાં તેણે 25 નવેમ્બર, 2025ના રોજ આ વીડિયો રીલ્સ બનાવ્યાની કબૂલાત કરી હતી. કમાન્ડ કંટ્રોલ સેન્ટર દ્વારા સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવામાં આવ્યો. પો.કોન્સ. સંજયભાઈ જોડે ફરિયાદી બનીને દિવ્યેશ ડોન ઉર્ફે દિવ્યેશ શૈલેષભાઈ વાઘેલા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે.

જામનગર શહેરના તમામ જાહેર રસ્તાઓ પર ઓવર સ્પીડિંગ, બાઈક સ્ટંટ અને રફ ડ્રાઇવિંગ કરીને ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વાહનચાલકો પર સી.સી.ટી.વી. કેમેરા દ્વારા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર નજર રાખી રહ્યું છે. તમામ વાહનચાલકોને પોતાની સલામતી માટે ટ્રાફિક નિયમોનું પાલન કરવા અપીલ કરવામાં આવે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande