
પાટણ, 10 ડિસેમ્બર (હિ.સ.)રાધનપુરથી પીપરાળા સુધીનો 70 કિલોમીટર લાંબો દિલ્હી–કંડલા નેશનલ હાઈવે નંબર 27 છેલ્લા લાંબા સમયથી જર્જરિત હાલતમાં છે. 2012–13માં નવા બનાવાયા બાદ માત્ર નવીનીકરણ થયું હતું, પરંતુ છેલ્લા બે વર્ષથી રોડ પર એટલા મોટા ખાડા પડી ગયા છે કે જાણે હાઈવેમાં ખાડા છે કે ખાડામાં હાઈવે—એવી સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે.
ખાડાઓના કારણે ભારે અને નાના બંને પ્રકારના વાહનોને હાઈ સ્પીડમાં ચલાવવું મુશ્કેલ બન્યું છે અને અવારનવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે. અનેક લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. રાજસ્થાનના ટ્રક ડ્રાઈવર મંગુરામ જણાવે છે કે તેમને 20–30 કિમી પ્રતિ કલાકની ગતિએ જ ગાડીઓ હંકાવવી પડે છે અને વાહનોને પણ ભારે નુકસાન થાય છે.
સ્થાનિકો અને ડ્રાઈવરોનો આક્ષેપ છે કે નેશનલ હાઈવે ઓથોરિટી વાહનચાલકો પાસેથી ઊંચો ટોલ ટેક્સ વસૂલે છે, પરંતુ રોડના સમારકામ પર કોઈ ધ્યાન આપતી નથી. વિસ્તારના લોકો આ નેશનલ હાઈવેનું તાત્કાલિક સમારકામ કરીને સલામત મુસાફરી સુનિશ્ચિત કરવાની માંગ કરી રહ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ