
રાજપીપલા, 10 ડિસેમ્બર (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આત્મનિર્ભર ભારત, મહિલા-નેતૃત્વ વિકાસ અને સ્વદેશી સશક્તિકરણના વિઝનને સાકાર કરવાના ઉદ્દેશ્ય સાથે આગામી 11 ડિસેમ્બર થી 23 ડિસેમ્બર દરમિયાન રાજ્યવ્યાપી સશક્ત નારી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત નર્મદા જિલ્લામાં આગામી 19 ડિસેમ્બર થી 21 ડિસેમ્બર દરમિયાન જિલ્લા સ્તરીય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ મેળાના સુચારૂ આયોજન અંગે જિલ્લા કલેકટર એસ.કે. મોદીની અધ્યક્ષતામાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી.
બેઠક દરમિયાન જિલ્લા કલેકટરએ જણાવ્યું હતું કે, 'સશક્ત નારી મેળા' પહેલ થકી મહિલા ઉદ્યોગ સાહસિકો, લખપતિ દીદીઓ, ડ્રોન દીદીઓ, સ્વ- સહાય જૂથો, મહિલા ખેડૂતો, સહકારી સંસ્થાઓ, સ્ટાર્ટઅપસ અને વ્યવસાયિકો પાયાના સ્તરે પરિવર્તનકારી તેમજ મહિલાઓના સશકિતકરણ, સ્થાનિક ઉત્પાદન, ઉદ્યોગસાહસિકતા અને સ્વદેશી મૂલ્યો માટે જિલ્લા સ્તરીય મેળો આર્થિક ભાગીદારીને વેગ આપશે અને લાખો મહિલાઓ માટે પ્રેરણાદાયી બનશે.
નર્મદા જિલ્લામાં કુલ 50 જેટલા સ્ટોલ ઉભા કરવામા આવશે, જેમાં સ્વદેશી થીમ આધારિત સ્વદેશી વસ્તુઓ થકી સ્થાનિક મહિલાઓને પ્રોત્સાહિત કરવા જિલ્લા કલેકટરશ્રીએ અનુરોધ કર્યો હતો.
આ કાર્યક્રમ થકી મહિલા-આગેવાની હેઠળના આર્થિક અને સામાજિક સશક્તિકરણ માટે જિલ્લા-સ્તરીય પ્લેટફોર્મ પૂરું પાડશે. તેમજ સ્વદેશી ઉત્પાદકો, સ્થાનિક હસ્તકલા, SHG ઉત્પાદનો અને મહિલા ઉદ્યોગસાહસિકોને પ્રોત્સાહન મળશે, મહિલા કેન્દ્રિત યોજનાઓ, આજીવિકા કાર્યક્રમો, સ્ટાર્ટઅપ સપોર્ટ અને સહકારી પહેલ વિશે જાગૃતિ પ્રદાન કરશે તેમજ લખપતિ, ડ્રોન દીદીઓ, મહિલા ખેડૂતની સિધ્ધિઓનું સન્માન કરવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ