
પાટણ, 10 ડિસેમ્બર (હિ.સ.) : શંભેશ્વરના મેઈન બજારમાં બે આખલા વચ્ચે અચાનક લડાઈ થતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. આખલાઓની જંગ જેવી હલચલથી દુકાનદારો અને રાહદારીઓ ગભરાઈને સતર્ક થઈ સલામત સ્થળે ખસી ગયા હતા. રખડતા ઢોરનો વધતો ત્રાસ સ્થાનિકો માટે સતત જોખમ ઊભું કરી રહ્યો છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, શાકભાજી વેચતા કેટલાક વેપારીઓ દ્વારા રસ્તા પર જ કચરો ફેંકાતો હોવાથી ઢોર બજાર વિસ્તારમાં ભેગા થાય છે. ખોરાકની લાલચમાં આવતા આ ઢોર પછી માર્ગો પર જ અડિંગો જમાવી લોકોની અવરજવર અટકાવે છે. બે દિવસ પહેલાં એક આખલાએ જી.આર.ડી. જવાનને પણ અડફેટે લીધો હતો, છતાં તંત્ર તરફથી કોઈ કાર્યવાહી થઈ નથી.
વહીવટી તંત્ર દ્વારા રખડતા ઢોરને પકડી પાડવા કે રસ્તા પર કચરો ફેંકતા વેપારીઓ સામે પગલાં ન લેવાતા સમસ્યા વધી રહી છે. વેપારીઓની બેદરકારી અને તંત્રની નિષ્ક્રિયતાને કારણે સ્થાનિકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ