
સુરત, 10 ડિસેમ્બર (હિ.સ.) ઉધના વિસ્તારમાં નાના ઝઘડામાંથી મોટી કાર્યવાહી બહાર આવી છે. BRTS બસના ડ્રાઈવર સાથે રસ્તા પર કહ્યું-કહેણી કરનાર 23 વર્ષીય ઈશ્વર રામદાસ બેડસે (રહે. કાશીનગર આવાસ, ઉધના) ને પોલીસે શાંતિ ભંગના ગુનામાં સ્ટેશન લઈ જતાં અનિચ્છિત રીતે ડ્રગ્સનો કેસ બહાર આવ્યો.
લિંબાયત લાલ બિલ્ડીંગ નજીક રહેતા બસ ડ્રાઈવર નઈમુદ્દીન અમીનુદ્દીન શેખ બસ ચલાવી રહ્યા હતા ત્યારે બાઈક પર પાછળથી આવનાર ઈશ્વરે તેમને સાથે તકરાર શરૂ કરી હતી. ઝઘડો વધી જતાં ડ્રાઈવરે તરત જ પોલીસને જાણ કરી, જેના આધારે ઉધના પોલીસે સ્થળ પર પહોંચી ઈશ્વરને કસ્ટડીમાં લઈ ગઈ.
પોલીસ સ્ટેશનમાં નિયમ મુજબ લેવાયેલી વ્યક્તિગત તલાશી દરમિયાન ઈશ્વરના ખિસ્સામાંથી પ્લાસ્ટિકની નાની કોથળીમાં કાળા-બદામી રંગનું શંકાસ્પદ પદાર્થ મળ્યો. યુવક તેની કોઈ સંતોષકારક સ્પષ્ટતા આપી શક્યો ન હોવાથી પદાર્થને FSL મોકલવામાં આવ્યો. FSL રિપોર્ટમાં તે પ્રતિબંધિત માદક દ્રવ્ય ‘ચરસ’ હોવાનું બહાર આવતાં પોલીસે NDPS એક્ટ હેઠળ ગંભીર ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરી.
પોલીસ મુજબ મળેલી ચરસની બજાર કિંમત અંદાજે ₹4,459 છે. મામૂલી રસ્તાના ઝઘડામાંથી માદક પદાર્થની હેરફેરનો મુદ્દો બહાર આવતા પોલીસ હવે ઈશ્વર બેડસે આ ચરસ ક્યાંથી મેળવી અને કોને આપવાના હેતુથી લઈ ફરતો હતો તે અંગે વધુ તપાસ શરૂ કરી રહી છે. તેના મોબાઈલ કૉલ વિગતો અને સંપર્કોમાં પણ તપાસ હાથ ધરાઈ છે.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે