
પાટણ, 11 ડિસેમ્બર (હિ.સ.) પાટણ જિલ્લાના ચંદ્રુમાણા ગામથી દેવભૂમિ દ્વારકા તરફ 19 શ્રદ્ધાળુઓનો પગપાળા સંઘ આજે રવાના થયો. સતત નવમા વર્ષે યોજાતી આ યાત્રા દસ દિવસમાં 500 કિલોમીટરના અંતરને કાપીને દ્વારકા પહોંચશે. રબારી સોમાભાઈ મોહનભાઈનો પરિવાર છેલ્લા નવ વર્ષથી સંઘમાં 'સંઘવી' તરીકે સેવા આપી રહ્યો છે.
પ્રસ્થાન પહેલાં પટેલ જયંતી નાથાભાઈના નિવાસસ્થાને ભગવાન દ્વારકાધીશની આરતી અને પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું, જેમાં તમામ શ્રદ્ધાળુઓએ ભાવપૂર્વક ભાગ લીધો. દસમા દિવસે દ્વારકા પહોંચ્યા બાદ સંઘ રાત્રિ રોકાણ કરશે અને બીજા દિવસે વહેલી સવારે મંદિરે ધ્વજારોહણ તથા પૂજા-અર્ચના કરશે.
સંઘવી સોમાભાઈએ જણાવ્યું કે, “માગે દસ... આપે વીસ... સહાય કરે દ્વારકાધીશ,” અને ઉમેર્યું કે છેલ્લા નવ વર્ષમાં પગપાળા જતા શ્રદ્ધાળુઓની અનેક મનોકામનાઓ ભગવાન દ્વારકાધીશે પૂર્ણ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ