
પાટણ, 13 ડિસેમ્બર (હિ.સ.) પાટણ ખાતે 18 થી 20 ડિસેમ્બર દરમિયાન યોજાનાર “સશક્ત નારી મેળા–2024”ના આયોજન માટે જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. કલેક્ટર કચેરીના ન્યૂ કોન્ફરન્સ હોલમાં યોજાયેલી બેઠકમાં મેળાના સુચારુ આયોજન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને સંબંધિત વિભાગોના અધિકારીઓને તેમની જવાબદારીઓ નિશ્ચિત કરવા સૂચનાઓ અપાઈ હતી.
ગુજરાત સરકાર દ્વારા રાજ્યવ્યાપી સ્તરે 11 થી 23 ડિસેમ્બર દરમિયાન “સશક્ત નારી મેળા”નું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ રાજ્યવ્યાપી મેળાનો શુભારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 11 ડિસેમ્બર, 2024ના રોજ બનાસકાંઠાના પાલનપુર ખાતે કરવામાં આવ્યો હતો.
પાટણ જિલ્લામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા સ્વદેશી અભિયાન અંતર્ગત આ મેળો પ્રગતિ મેદાન, ગુંગડી રોડ ખાતે યોજાશે. ત્રણ દિવસના આ મેળામાં કુલ 100 સ્ટોલ મૂકવામાં આવશે, જેમાં મહિલા ઉદ્યોગ સાહસિકો દ્વારા તૈયાર કરાયેલા સ્વદેશી ઉત્પાદનો, હસ્તકલા અને અન્ય સામગ્રીનું પ્રદર્શન તથા વેચાણ થશે.
આ “સશક્ત નારી મેળા–2024”નો મુખ્ય ઉદ્દેશ્ય મહિલા સશક્તિકરણ, આત્મનિર્ભરતા અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવાનો છે. લખપતિ દીદીઓ, ડ્રોન દીદીઓ, સ્વ-સહાય જૂથો, મહિલા ખેડૂતો, સહકારી સંસ્થાઓ અને સ્ટાર્ટઅપ્સ સાથે જોડાયેલી મહિલાઓને આ મેળા દ્વારા એક મજબૂત મંચ મળશે.
આ બેઠકમાં જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટ સાથે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નાયબ નિયામક આર.કે. મકવાણા સહિત સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ મેળો પાટણ જિલ્લાની મહિલા શક્તિને ઉજાગર કરી સ્થાનિકથી રાજ્ય સ્તરે મહિલાઓની વિકાસયાત્રાને નવી દિશા આપશે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ