
પાટણ, 11 ડિસેમ્બર (હિ.સ.) સાંતલપુર તાલુકાના આબીયાણા ગામને સરકાર દ્વારા નવી એમ્બ્યુલન્સ ફાળવાતા ગામજનોમાં આનંદનું વાતાવરણ સર્જાયું છે. પાટણ જિલ્લાના આ નાનકડા ગામને મળેલી આ મહત્વપૂર્ણ ભેટથી તાત્કાલિક સારવાર સુવિધા વધુ સશક્ત બની છે. લોકાર્પણ પ્રસંગે સરપંચ રંગુબેન નાડોદા સહિત ગામના આગેવાનો અને તંત્રની હાજરી રહી હતી.
લાંબા સમયથી અકસ્માતો, હાર્ટ એટેક, ડિલિવરી સહિતની ઇમરજન્સી સ્થિતિમાં દર્દીઓને દૂર લઈ જવામાં ગામજનોને ભારે મુશ્કેલીઓ સહન કરવી પડતી હતી. સમયસર સારવાર ન મળવાથી જોખમ વધતું હતું, જેને ઓછી કરવાની દિશામાં આ એમ્બ્યુલન્સ મોટી રાહતરૂપ બની છે.
નવી સેવા માત્ર આબીયાણા ગામ પૂરતી સીમિત ન રહેતા આસપાસના વંચિત વિસ્તારોને પણ સીધી સહાય પૂરી પાડશે. ગામજનો અને આગેવાનોએ આ પહેલ માટે સરકારનો આભાર વ્યક્ત કરતાં કહ્યું કે વિકાસની દિશામાં આ સેવા સીમાચિહ્નરૂપ બનશે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ