
અમરેલી,11 ડિસેમ્બર (હિ.સ.) અમરેલી જિલ્લાના ખેલ જગતમાં છેલ્લા થોડા સમયથી નવા તારલાઓ ઉભા થઈ રહ્યા છે. ખાસ કરીને છોકરીઓમાં ક્રિકેટ પ્રત્યેનો વધતો ઝોખ અને તેઓ દ્વારા પ્રાપ્ત થતી સિદ્ધિઓ અમરેલીનું નામ સમગ્ર રાજ્યમાં ઉજાગર કરી રહી છે. અમરેલી શહેરની પ્રતિભાશાળી ક્રિકેટર સાવલિયા ઋતુ એ પણ હવે પોતાનું નામ એવી જ યાદીમાં ઉમેર્યું છે. માત્ર ધોરણ 10 સુધી અભ્યાસ કર્યા બાદ પણ ક્રિકેટને જ જીવનનું લક્ષ્ય બનાવી, છેલ્લા ત્રણ વર્ષથી તે સતત પ્રેક્ટિસ દ્વારા પોતાનું સ્વપ્ન સાકાર કરવાની દિશામાં આગળ વધી રહી છે.
ઋતુ જણાવે છે કે રોજ 3 થી 4 કલાક અમરેલી શહેરમાં આવેલી સમરથ એકેડમીમાં તે શિસ્તબદ્ધ રીતે પ્રેક્ટિસ કરે છે. કોચ મયુર ગોરખિયા તેનું માર્ગદર્શન કરે છે અને તેની પ્રતિભાને ધારાળ બનાવવાની સતત મહેનત કરે છે. કોચિંગની આ નિયમિતતા અને ઋતુનો સમર્પણ તેના પ્રદર્શનમાંથી સ્પષ્ટ દેખાઈ આવે છે.
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન હેઠળ રાજકોટમાં સૌરાષ્ટ્રની અન્ડર–19 ટીમમાંથી ટી–20 મેચ રમવાની તક ઋતુએ મેળવી હતી, જેમાં તેણે ઉત્તમ પ્રદર્શન કરીને સૌનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું. માત્ર એટલું જ નહીં, ઉન્ડર–19 ગુજરાત ટીમ તરફથી રાજસ્થાનમાં યોજાયેલી ટૂર્નામેન્ટમાં પણ તેણે નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. આ બંને તકોએ તેની કારકિર્દીને નવી દિશામાં આગળ ધપાવી છે અને હવે તે વધુ પડકારો માટે આતુર છે.
ભારત તરફથી રમવાનું ઋતુનું મોટું સ્વપ્ન છે અને તે દિશામાં તે પૂરજોશ સાથે પ્રયાસ કરી રહી છે. હાલ તેના માટે કોઈ ખાસ ડાયટ પ્લાન નથી, પરંતુ સામાન્ય અને સારો આહાર જ તે લઈ રહી છે. ભવિષ્યમાં રમતની જરૂરીયાત મુજબ યોગ્ય ડાયટ પ્લાન અપનાવવાની તેની તૈયારી પણ છે.
એક સામાન્ય પરિવેશમાંથી આવતી અને મજબૂત ઇચ્છાશક્તિના બળે આગળ વધતી ઋતુ જેવી યુવા ક્રિકેટરો અમરેલી જિલ્લામાં પ્રેરણાનું કેન્દ્ર બની રહ્યા છે. સમરથ એકેડમીનું માર્ગદર્શન અને પરિવારનો સહકાર મળતો રહે તો ઋતુનું ટીમ ઇન્ડિયામાં રમવાનું સ્વપ્ન ખૂબ દૂર નથી. સતત મહેનત, શિસ્ત અને અભ્યાસ દ્વારા ઋતુ ચોક્કસ જ આગામી સમયમાં રાષ્ટ્રીય સ્તરે અમરેલીનું નામ રોશન કરશે— એવો વિશ્વાસ તેના કોચથી લઈને સમગ્ર શહેરને છે.
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai