
પોરબંદર, 11 ડિસેમ્બર (હિ.સ.) : આપણા દેશના સૌથી મહત્વના તહેવાર દિવાળીના પર્વને યુનેસ્કોની અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર યાદીમાં સમાવિષ્ટ કરવામાં આવતા સમગ્ર દેશમાં ભર શિયાળે દિવાળી જેવો માહોલ સર્જાયો છે.
દિવાળીના તહેવારને યુનેસ્કોની યાદીમાં સ્થાન મળતા પોરબંદરમાં નવરંગ સાહિત્ય સંગીત કલા પ્રતિષ્ઠાન દ્વારા ગાંધી સ્મૃતિ ભવન ખાતે ભવ્ય રંગોળી બનાવી તથા દિવડા પ્રગટાવીને આ ખુશીને વધાવવામાં આવી હતી.
યુનેસ્કો દ્વારા મળેલ સન્માનને લીધે ભારતની સંસ્કૃતિનો વૈશ્વિક પ્રચાર થશે. દિવાળી એ ભારતની સાંસ્કૃતિક ધરોહરની સાથે સામાજિક સમરસતાનું પણ પર્વ છે. સમગ્ર ભારતમાં દિવાલીના તહેવારને પ્રભુ શ્રીરામના રાવણ પર વિજય અને અંધકાર પર પ્રકાશના વિજયનું પ્રતિક રૂપે પણ ઉત્સાહ અને ઉમંગભેર ઉજવવામાં આવે છે.
યુનેસ્કોની યાદીમાં દિવાળીને સ્થાન મળવાના સમાચાર મળતાજ નવરંગ સાહિત્ય સંગીત કલા પ્રતિષ્ઠાનના સભ્ય પરિમલ મકવાણા અને નમ્રતાબેન સામાણીએ ચોપાટી પાસે આવેલ ગાંધી સ્મૃતિ ભવન ખાતે ભવ્ય રંગોળી બનાવીને તથા દીપ પ્રગટાવીને આ નિર્ણયને અવકાર્યો હતો. આ પ્રસંગે નવરંગ સાહિત્ય સંગીત કલા પ્રતિષ્ઠાના પ્રમુખ લાખણશી ગોરાણિયા તથા યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગની કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya