
જામનગર, 11 ડિસેમ્બર (હિ.સ.) રાજ્ય સરકારના બોગસ બેન્ક ખાતાધારકોને શોધવા માટે ’ઓપરેશન મ્યુલ હન્ટ’ શરૂ કરાયું છે. જેની જામનગરમાં પણ તપાસ ચાલી રહી છે. ત્યારે આ તપાસ દરમિયાન જામનગરમાં વધુ પાંચ ફરિયાદ નોંધાવાઈ છે.ગઈકાલે 2 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ હતી. જામનગર શહેરની જુદી જુદી બેન્કો માં ખાતા ખોલાવી નાણાંની ગેરકાયદે હેરફેર કરવાના સંદર્ભમાં વધુ 12 આરોપીઓ સામે ગુન્હા નોંધાતા ખળભળાટ મચી ગયો છે.
બેંક ખાતાધારકોના ઓનલાઈન ચીટીંગના મારફતે નાણાં ટ્રાન્સફર કરી લેવાના પ્રકરણમાં બોગસ ખાતાધારકોને શોધવા માટે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં ’ઓપરેશન મ્યુલ હન્ટ’ ચલાવવામાં આવી રહ્યું છે, શહેરના સિટી એ. ડિવિઝન તથા બી. ડિવિઝન પોલીસ મથકમાં વધુ પાંચ ગુના દાખલ કરવામાં આવ્યા છે, જેમાં અલગ અલગ 12 આરોપીઓ સામે ગુન્હા નોંધવામાં આવ્યા છે અને પોલીસ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ ચલાવાઇ રહી છે.
જામનગર શહેર વિભાગના ડીવાયએસપી જે.એન. ઝાલા ની રાહબરી હેઠળ ગઈકાલે સૌપ્રથમ સીટી બી. ડિવિઝનમાં પોલીસ મથકમાં બે ફરિયાદ નોંધાવ્યા બાદ ગઈકાલે બપોર બાદ સિટી એ. ડિવિઝન પોલીસ મથકમાં વધુ બે ગુન્હા નોંધવામાં આવ્યા છે. જેમાં સરકાર પક્ષે પ્રદીપસિંહ ટેમભા જાડેજા ફરિયાદી બન્યા છે, અને બેંકના એકાઉન્ટ ધારક નીરજસિંહ ધર્મેન્દ્ર સિંહ ચૌહાણ, તેમજ ધાર્મિક સુનિલભાઈ શાહ સામે, જ્યારે બીજા ગુનામાં સરફરાજખાન મહોબ્બતખાન પઠાણ, સાહિલ અસ્લમભાઇ કુરેશી, અને સુલતાન અલુરા આરબ સામે ગુન્હા નોંધવામાં આવ્યા છે.
આ ઉપરાંત જામનગરના સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં વધુ ત્રણ ગુના નોંધવામાં આવ્યા છે, જેમાં સરકાર પક્ષે સોયબ ભાઈ મકવા ફરીયાદી બન્યા છે, અને આરોપી દિલીપસિંહ દોલુભા વાળા, પૂર્વરાજસિંહ મનોહરસિંહ જાડેજા, અને ઇમરાન ખફી સામે ગુનો નોંધાયો છે.
યારે બીજો ગુનો પ્રશાંત દીપકભાઈ ચૌહાણ અને ભાવેશ ગોપાલભાઈ પરમાર સામે નોંધાયો છે, જ્યારે ત્રીજો ગુન્હો ધવલ અશ્વિનભાઈ તેમજ હર્ષિલ રમેશભાઈ મુંજપરા સામે નોંધવામાં આવ્યો છે. શહેર વિભાગના ડીવાયએસપીની રાહબરી હેઠળ તમામ ગુનાઓની તપાસ કરવામાં આવી રહી છે, અને નાણાની ઉચાપત કરનારા મુખ્ય સૂત્રધારો સુધી પહોંચવા માટે પોલીસ દ્વારા કવાયત કરવામાં આવી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt