
પાટણ, 11 ડિસેમ્બર (હિ.સ.) : પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીએ સંલગ્ન કોલેજોના નેગેટિવ એલઆઈસી રિપોર્ટની ફરી તપાસ માટે પ્રથમવાર રૂ.20,000 ફી વસૂલવાનો નિર્ણય કર્યો છે. 2026-27 માટે નવા અને ચાલુ જોડાણની પ્રક્રિયા હેઠળ યુનિવર્સિટીએ 593 એલઆઈસી કમિટીઓ રચી છે, જે કોલેજોની શૈક્ષણિક અને ભૌતિક સુવિધાઓની તપાસ કરી રિપોર્ટ સામેલ કરશે.
અગાઉ નેગેટિવ રિપોર્ટ મળતા ફરી પ્રક્રિયામાં વિલંબ થતો હોવાથી કોલેજો અને વિદ્યાર્થીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. હવે યુનિવર્સિટી નક્કી કર્યું છે કે નેગેટિવ રિપોર્ટ આવે ત્યારે કોલેજને ખામીઓ સુધારવા 45 દિવસનો સમય અપાશે.
સમયસીમા બાદ ફરી એલઆઈસી તપાસ હાથ ધરાશે અને આ માટે કોલેજ પાસેથી રૂ.20,000 ફી વસૂલવામાં આવશે. કુલપતિ ડો. કે.સી. પોરિયાના જણાવ્યા મુજબ આ નિર્ણયથી જોડાણ પ્રક્રિયામાં થતી અડચણો દૂર થવા સાથે કોલેજોને સમયસર સુધારો કરવાની સુવિધા મળશે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ