



પોરબંદર, 11 ડિસેમ્બર (હિ.સ.) : રાજ્ય સરકાર દ્વારા રાજકોટ ખાતે આયોજિત વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સના ભાગરૂપે કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારના જિલ્લાઓમાં પણ જિલ્લા-સ્તરીય કાર્યક્રમો યોજાનાર છે. પોરબંદર જીલ્લા સ્તરીય કાર્યક્રમની સુચારુ તૈયારી અને સંચાલન અંગે પોરબંદર જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણીની અધ્યક્ષસ્થાને એક મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી.
આ બેઠકમાં પોરબંદર જિલ્લા-સ્તરીય કાર્યક્રમમાં એગ્રીકલ્ચર, ફૂડ પ્રોસેસિંગ, બાયો ટેક, હસ્તકલા, ફિશરીઝ અને બ્લુ ઇકોનોમી સહિતના ક્ષેત્રોમાં જિલ્લામાં રહેલા અવકાશને ધ્યાનમાં રાખીને ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણીએ સમગ્ર કાર્યક્રમ 'સ્વદેશી'ની થીમ પર આધારિત હોવાનું જણાવીને કાર્યક્રમમાં મહત્તમ સ્વદેશી વસ્તુઓના ઉપયોગ પર ભાર મૂકવા માટે સૂચના આપી હતી.
આ બેઠક દરમિયાન સંયુક્ત ઉદ્યોગ કમિશનર અને પોરબંદર જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર ડી. આર. પરમારે પ્રેઝન્ટેશન દ્વારા સમગ્ર કાર્યક્રમની ડ્રાફ્ટ રૂપરેખા રજૂ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સનો પોરબંદર ખાતેનો મુખ્ય કાર્યક્રમ તારીખ 19 ડિસેમ્બર 2025, શુક્રવારના રોજ તાજાવાલા હોલ ખાતે યોજાશે, જ્યારે પ્રદર્શની અને સેમિનાર, તેમજ સ્ટાર્ટ-અપ કાર્યક્રમો તારીખ 19 અને 20 ડિસેમ્બર 2025 ના રોજ તાજાવાલા હોલ અને બિરલા હોલ, પોરબંદર ખાતે યોજવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya