


પોરબંદર, 11 ડિસેમ્બર (હિ.સ.) : પોરબંદર કીર્તિ મંદિરની મુલાકાતે આવેલા વિદ્યાર્થીઓ અને મુલાકાતીઓને પોરબંદર જિલ્લા માહિતી કચેરી દ્વારા માહિતી વિભાગના જન ઉપયોગી પ્રકાશનો 'દીવાદાંડી' અને 'ગુજરાત પાક્ષિક'નું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ વિતરણનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓ અને સામાન્ય નાગરિકોને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ, વિકાસ કાર્યો તેમજ સમકાલીન પ્રશાસકીય માહિતી સરળ અને એકત્રિત સ્વરૂપમાં પૂરી પાડવાનો છે.
'ગુજરાત પાક્ષિક' રાજ્ય સરકારનું એક અધિકૃત પ્રકાશન છે, જેમાં સરકારના વિવિધ વિભાગોની યોજનાઓ, નવી પહેલો, નાગરિક કલ્યાણ સંબંધિત સૂચનાઓ અને મહત્વપૂર્ણ જાહેર માહિતીનું સંકલન કરવામાં આવે છે.
આ પ્રકાશન વિદ્યાર્થીઓ સહિત સામાન્ય નાગરિકોમાં જાગૃતિ વધારવા અને શાસન પ્રણાલી સાથેનું જોડાણ મજબૂત કરવામાં સહાયરૂપ બને છે. જ્યારે 'દીવાદાંડી' પુસ્તિકામાં દ્રષ્ટિહીન, શ્રવણમંદ, અસ્થિ વિષયક, માનસિક ક્ષતિ ધરાવતા નાગરિકો, નિરાધાર વૃદ્ધ ભાઈઓ-બહેનો, વિધવા બહેનો તથા અનાથ બાળકો માટેની સરકારની કલ્યાણકારી યોજનાઓની સરળ જાણકારી આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
કીર્તિ મંદિર ખાતે વિતરણ કરાયેલા આ પ્રકાશનથી વિદ્યાર્થીઓને અને જનસામાન્યને રાજ્યના સામાજિક અને વિકાસલક્ષી કાર્યોનું વ્યાપક જ્ઞાન પ્રાપ્ત થશે, જે તેમને માહિતીપ્રેરિત વિચારો તરફ પ્રોત્સાહિત કરશે. જિલ્લા માહિતી કચેરી દ્વારા જનજાગૃતિને વધુ મજબૂત બનાવવા માટે આવા કાર્યક્રમોનું સતત આયોજન કરવામાં આવી રહ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya