
સોમનાથ,11 ડિસેમ્બર (હિ.સ.) સોમનાથ જિલ્લાના ખેડૂતો ઓર્ગેનિક ગોળ ની સાથે સાથે ડ્રાયફ્રુટ ગોળ બનાવતા થયા. સંપૂર્ણ ઓર્ગેનિક એવા આ ડ્રાયફ્રુટ ગોળની સીઝનમાં ખૂબ માંગ રહે છે. નજીવા નફા સાથે આ ગોળ લોકોને સ્થળ પરથી જ રિટેઈલ વહેંચાણ કરે છે.આ ગોળમાં કાજુ,બદામ,કિસમિસની સાથે સૂંઠ દેશી પણ ઉમેરવામાં આવે છે. તો સાથેજ આયુર્વેદિક ઓસડીયા ગોળમાં નાખીને સ્વાસ્થ્યવર્ધક ગોળ તૈયાર કરવામાં આવે છે. આવો સ્વાસ્થ્ય વર્ધક ગોળ અહીંના લોકોમાં ખુબજ પ્રિય છે.
સોમનાથનો દેશી ગોળ કેસર કેરી અને કેસરી સિંહ એ ગીરની આન,બાન અને શાન છે. સોમનાથ જિલ્લા ની જમીન ઉત્તમ કેસર કેરી અને શેરડી માટે ઉમદા છે. અહીંનું પાણી પણ શેરડી માટે શ્રેષ્ઠ છે. ખાસ કરીને ખેડૂતો દ્વારા ઉત્તમ પ્રકારનો ડ્રાયફ્રુટ ગોળ બનાવવામાં આવે છે. આ ડ્રાયફ્રુટ ગોળ માત્ર પ્રાકૃતિક પદ્ધતિ વડે ઉત્પાદિત કરવામાં આવે છે. શુદ્ધ દેશી ગોળમાં આમ પણ કેલ્શિયમ, આયન અને ફોસ્ફરસ જેવા તત્વો રહેલા હોય છે. જેથી સ્નાયુઓ અને હાડકા મજબૂત બને છે. તેમાં વિશેષ ઉમેરો થયો ડ્રાયફ્રુટ અને આયુર્વેદિક ઓસડીયા.કાજુ બદામ અને કિસમિસ,કેસરની અને સૂંઠ સાથે અન્ય આયુર્વેદિક ઓસડીયા પ્રમાણસર મેળવી ને ઉત્તમ કક્ષાનો ગોળ બનાવવામાં આવ્યો.સામાન્ય પ્રાકૃતિક ગોળ પ્રતિ એક કિલોનો ભાવ રૂપિયા 60 થી 65 છે જ્યારે આ પ્રાકૃતિક ડ્રાયફ્રુટ ગોળ એક કિલોનો ભાવ 100/- રૂપિયા જેટલો છે. જયારે બજાર માં આ ગોળ ની કિંમત 110/- થી વધુના ભાવે વેચાય છે, અને આ ગોળ ફ્રીઝમાં એક વર્ષ અને ફ્રીઝની બહાર 4 મહિના સારો રહે છે. ગોળમાં કાઈજ થતું નથી.પરંતુ ગોળમાં રહેલું ડ્રાયફ્રુટ ખોરૂ થવાની શકયતા રહેલી છે.આ ડ્રાયફ્રુટ ગોળની વર્તમાન સમયમાં સારી એવી માંગ છે. લોકો અહીં રાબડા પરથી જ ખરીદી કરવા આવે છે. જરૂરિયાત મુજબનો ડ્રાયફ્રુટ ગોળ લઈ જાય છે.આ ગોળ બાળકોથી લઈને યુવાનો અને વડીલોના સ્વાસ્થ્ય માટે પણ ઉમદા ગણવામાં આવે છે. 100/- રૂપિયાનો એક કિલો ડ્રાયફ્રુટ ગોળ દરેકને પોષાય તેવી કિંમતે છે.ખાસ કરીને આ ગોળ પ્રાકૃતિક રીતે બનાવવામાં આવે છે જેથી લોકો ને ખાવા માં ખૂબ આનંદ આવે છે.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ