
જામનગર, 11 ડિસેમ્બર (હિ.સ.) જામનગર જિલ્લામાં સઘન મતદાર સુધારણા કાર્યક્રમ અન્વયે બૂથ લેવલ ઓફિસર્સ દ્વારા મતદાર સુધારણાની કામગીરી ઝડપભેર અને સુવ્યવસ્થિત ચાલી રહી છે. ત્યારે આ ઇકઘતનું મનોબળ વધે અને તેઓને યોગ્ય પ્રોત્સાહન મળે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરે એક નવતર અને પ્રેરક અભિગમ અપનાવ્યો છે.
કલેક્ટરએ જિલ્લાની તમામ પાંચ વિધાનસભા મત વિસ્તારોમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર વિસ્તાર દીઠ બે મળી કુલ 11 બીએલઓ તથા 5 બીએલઓ સુપરવાઇઝર્સને કલેક્ટર કચેરી ખાતે રૂબરૂ બોલાવી તેઓની કર્મનિષ્ઠાને બિરદાવી સન્માનિત કર્યા હતા. કલેક્ટરશ્રીએ આ તકે બીએલઓ પાસેથી કામગીરીના અભિપ્રાયો પણ જાણ્યા હતા, સાથે જ કામગીરી દરમિયાન આવતા પડકારો અંગે પણ વિસ્તૃત માહિતી મેળવી હતી અને કઈ રીતે તેઓએ 100% કામગીરી પૂર્ણ કરી એ અંગેની વિગતો પણ જાણી હતી.
એટલું જ નહીં આ તમામ ઇકઘતની કામગીરી નગરજનો સુધી પણ પહોંચે તે માટે કલેક્ટરએ એક અનોખો માનવીય અભિગમ દાખવી શહેરના વિખ્યાત રણમલ તળાવ ખાતે તમામના ફોટોગ્રાફ સાથેની પોસ્ટર સ્ટેન્ડીઝ મુકાવી હતી. સાથે જ શહેરના સાત રસ્તા સર્કલ, ડી.કે.વી.કોલેજ સર્કલ તથા બેડી ગેટ પર પણ તમામ ઇકઘતને વીડિયો ડિસ્પ્લે બોર્ડ પર પ્રદર્શિત કરીને તેઓને યથાયોગ્ય જાહેર સન્માન પૂરું પાડ્યું હતું.
જામનગરના બીએલઓએ પણ કલેક્ટરની આ સંવેદનશીલ કામગીરીને બિરદાવી કલેક્ટર કેતન ઠક્કર, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી આદર્શ બસેર તથા સમગ્ર જિલ્લા ચૂંટણી તંત્રનો સહર્ષ આભાર વ્યક્ત કર્યો હતો અને આ સન્માનથી તેઓને જુસ્સો અને નવું બળ મળશે તેમ જણાવ્યું હતું જે આગામી કામગીરી માટે તેમને વધુ પ્રોત્સાહિત કરશે.
જામનગર જિલ્લામાં સમાવિષ્ટ પાંચ વિધાનસભા મતવિભાગના સુપરવાઈઝર ભીખાભાઈ પીઠીયા, બી.એલ.ઓ. રોહિત બાંભવા, ગુલામમદોયુદીન પઠાણ, સંજયકુમાર કામાણી, સુપરવાઈઝર ડો.સુનિલ લોહિયા, જીતેન્દ્ર ચોવટીયા, ભાવિક ડી.પટેલ, સુપરવાઈઝર કેતન ધોળકિયા, રમેશભાઈ બાબરિયા, મયુરભાઈ ખાણધર, સુપરવાઈઝર ભાવિક મેઘાણી, બાદી ગુલામમહ્યુદીન, રામચંદ્ર લાખાણી, સુપરવાઈઝર સી.જે.સુરેજા, નિર્મળાબેન મહેતા, વારસંકિયા અજયભાઈને સન્માનિત કરાયાં હતા.
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt