
જૂનાગઢ, 11 ડિસેમ્બર (હિ.સ.) : તાજેતરમાં જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા આયોજિત ભરતી મેળોના માધ્યમથી 18 જેટલા ઉમેદવારોને સ્વ-રોજગારી મળી છે.
આ સંદર્ભે જિલ્લા રોજગાર અધિકારી દિપક મોઢાએ જણાવ્યું હતું કે, નોકરીવાંચ્છુ ઉમેદવારોને રોજગારીની તકો મળે તે માટે સમય સમયાંતરે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવે છે, તા.૯મી ડિસેમ્બરના રોજ એક ભરતી મેળો યોજાયો હતો, જેના માધ્યમથી 18 જેટલા ઉમેદવારોને નોકરી દાતા તરફથી ઇન્ટરવ્યૂ સહિતની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ નોકરી ઓફર કરવામાં આવી છે. આ ઉમેદવારો રાજકોટ સ્થિત મહાવીર એન્ટરપ્રાઇઝમાં મશીન ઓપરેટર, કોમ્પ્યુટર ઓપરેટર, મેન્ટેનન્સ આસિસ્ટન્ટ એક્ઝિક્યુટિવ જેવી પોસ્ટ પર નોકરી મળી છે.
આ ભરતી મેળામાં મધર ડેરી દ્વારા પણ 15 જેટલા ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી છે. આમ, નોકરીવાંચ્છુ ઉમેદવારોને ભરતી મેળો ફળ્યો હતો. મહત્વનું છે કે, સમયાંતરે યોજાતા રોજગાર ભરતી મેળામાં ભાગ લેવા માટે નોકરીવાંચ્છુ ઉમેદવારોએ અનુબંધમ પોર્ટલના માધ્યમથી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ