

મહેસાણા, 11 ડિસેમ્બર (હિ.સ.) : મહેસાણા જિલ્લાના કડી તાલુકા નજીક મણિપુર–કરશનપુરા રોડ પર આવેલી પોલિમર્સ બનાવતી ખાનગી કંપનીમાં આજે બપોરે અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠતાં વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. મણિપુર ગામની સીમમાં આવેલી આ કંપનીમાં આગ લાગ્યાની માહિતી મળતા જ કડી અને આસપાસની ફાયર બ્રિગેડ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
કંપનીમાં પ્લાસ્ટિકનું રો-મટીરીયલ તૈયાર થતું હોવાથી આગે પળેપળે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગના પ્રચંડ જ્વાળા અને ધુમાડાના ગોટેગોટા ઘણા અંતરેથી જ દેખાઈ રહ્યા હતા, જેને કારણે આસપાસના ગામોમાં પણ ભયનું વાતાવરણ સર્જાયું હતું. ફાયર ફાઈટરોએ સમયસર કામગીરી શરૂ કરીને આગને કાબુમાં લેવા માટે સતત તમામ સાધનોનો ઉપયોગ કર્યો હતો.
પ્રાથમિક માહિતી મુજબ, આગ લાગવાનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ પ્રાથમિક તબક્કે શોર્ટ સર્કિટની શક્યતા વ્યક્ત થઈ રહી છે. કંપનીમાં કામદારો સુરક્ષિત સ્થળે બહાર નીકળી ગયા હતા અને કોઈ જાનહાની થઈ નથી તેવી માહિતી મળી રહી છે. આગને સંપૂર્ણ રીતે કાબુમાં લેવા અને આગના મૂળ કારણની તપાસ માટે કાર્યવાહીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR