

મહેસાણા, 11 ડિસેમ્બર (હિ.સ.) : શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી કુંવરજી બાવળીયાએ મહેસાણા ઔદ્યોગિક તાલીમ સંસ્થાની મુલાકાત લઈને ત્યાં ઉપલબ્ધ આધુનિક તાલીમ સુવિધાઓનો અભ્યાસ કર્યો. તેમની સાથે મહેસાણા ધારાસભ્ય મુકેશ પટેલ અને અગ્રણી ગીરીશ રાજગોર હાજર રહ્યા હતા. મંત્રીશ્રીએ Namtech દ્વારા ફાળવવામાં આવેલા Lab on Wheel નો અવલોકન કરીને તેમાં ઉપલબ્ધ નવીન ટેકનોલોજી અંગે માહિતી પ્રાપ્ત કરી. ત્યાર બાદ આઈ.ટી.આઈ.માં Namtech દ્વારા શરૂ કરાયેલા TPTCP પ્રોગ્રામની વિગતો જાણી તાલીમાર્થીઓ સાથે સીધી વાતચીત કરી હતી.
મંત્રીએ સુઇંગ ટેકનોલોજી તાલીમ વર્ગની મુલાકાત લઈને તાલીમાર્થીઓને શીખવાતી કુશળતાઓ વિશે પૃચ્છા કરી. Namtech દ્વારા industrial automation તેમજ soft skill જેવા મહત્વપૂર્ણ કોર્ષ ચલાવવામાં આવે છે જેમાં હાલ લગભગ 400 વિદ્યાર્થીઓ તાલીમ મેળવી રહ્યા છે. તાલીમાર્થીઓને ટ્રાન્સપોર્ટેશન સહિતની સુવિધાઓ Namtech દ્વારા પૂરી પાડવામાં આવે છે.
આ પહેલાં મંત્રીએ કડી તાલુકાના ચડાસણ ગામે આવેલ Torrent Pharma ના પ્રોસેસિંગ પ્લાન્ટની મુલાકાત લઈને વિવિધ દવાઓના ઉત્પાદન અને કર્મચારી સુવિધાઓ અંગે કંપની મેનેજર પાસેથી માહિતી મેળવી હતી. સમગ્ર મુલાકાત દરમિયાન જિલ્લા અને તાલુકા સ્તરના અધિકારીઓ, આઈ.ટી.આઈ.ના ઇન્સ્ટ્રક્ટરો અને Namtech પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR