
પાટણ, 11 ડિસેમ્બર (હિ.સ.) : રાધનપુરની હિંમત વિદ્યાનગર સંચાલિત શ્રી ત્રીકમજીભાઈ ચતવાણી આર્ટ્સ અને જે.વી. ગોકળ કોમર્સ કોલેજ તથા રોટરી ક્લબ ઓફ રાધનપુર દ્વારા શેરગંજ પ્રાથમિક શાળામાં સ્વેટર વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. શિયાળાની ઠંડીથી બાળકોને રક્ષણ આપવાના હેતુથી આ કાર્યક્રમ રાયચંદભાઈના અધ્યક્ષસ્થાને સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
સમાજ પ્રત્યેની જવાબદારીના ભાગરૂપે દર વર્ષે યોજાતા કલ્યાણકારી કાર્યોની શૃંખલાનો આ કાર્યક્રમ એક ભાગ છે. પ્રિન્સિપાલ ડૉ. સી.એમ. ઠક્કરે સમાજસેવાનું મહત્વ, બાળકો પ્રત્યેની સંવેદના અને સ્વેટર વિતરણના હેતુ અંગે માર્ગદર્શન આપતાં શાળાના શિક્ષકમંડળ અને ટ્રસ્ટના સહયોગીઓને આભાર વ્યક્ત કર્યો હતો.
રોટરી ક્લબના પ્રમુખ ડૉ. પરેશ દરજીએ કોલેજ અને રોટરી ક્લબના સેવા પ્રયત્નોની પ્રશંસા કરી હતી. કાર્યક્રમ દરમિયાન સેક્રેટરી કાંતભાઈ નાઈ, ડૉ. સી.વી. રાવલ, મહેશભાઈ રાઠોડ સહિતના આગેવાનો તથા મોટી સંખ્યામાં વાલીઓની હાજરી રહી હતી. ટ્રસ્ટના પ્રમુખ ડૉ. મહેશ મુલાણી સાથે ડૉ. નવીનભાઈ અને ડૉ. ધીરુભાઈએ પણ કાર્યક્રમની સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
રાધનપુર આર્ટ્સ અને કોમર્સ કોલેજ ઘણા વર્ષોથી માનવતાવાદી પ્રવૃત્તિઓ દ્વારા વિવિધ પ્રાથમિક શાળાઓમાં 1000થી વધુ વિદ્યાર્થીઓને સ્વેટર અને આવશ્યક સામગ્રીનું વિતરણ કરે છે. આ વર્ષે પણ શેરગંજ પ્રાથમિક શાળામાં આ સેવા કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થતાં વિસ્તારમાં શિક્ષણ ક્ષેત્રે સકારાત્મક વાતાવરણ ઊભું થયું છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ