


ગોધરા, ૧૧ડિસેમ્બર (હિ. સ.)
આજરોજ પશુપાલન વિભાગ ગુજરાત રાજ્યના માર્ગદર્શન હેઠળ, પશુપાલન શાખા જિલ્લા પંચાયત ગોધરા પંચમહાલ તેમજ પશુપાલન શાખા તાલુકા પંચાયત ઘોઘંબા દ્વારા સ્વામિનારાયણ મંદિર ઘોઘંબા ખાતે માનનીય રાજ્યકક્ષા મંત્રી રમેશભાઈ કટારા સાહેબના અધ્યક્ષપણા હેઠળ જિલ્લા કક્ષાની પશુપાલન શિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવેલ હતું. સદરહું કાર્યક્રમમાં માનનીય રાજ્યકક્ષા મંત્રી રમેશભાઈ કટારા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રેણુકાબેન ડાયરા, પૂર્વ મંત્રી તેમજ ધારાસભ્ય હાલોલ જયદ્રથસિંહજી પરમાર, ધારાસભ્યશ્રી કાલોલ ફતેસિંહ ચૌહાણ, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા ભાજપના પ્રમુખ મયંકભાઇ દેસાઈ, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ, વિભાગીય સંયુક્ત પશુપાલન નિયામક તેમજ જિલ્લા પંચાયત સભ્ય, તાલુકા પંચાયત પ્રમુખ, તાલુકા પંચાયત સભ્ય, સંગઠનના વિવિધ હોદ્દેદાર, જિલ્લા અને તાલુકાના વિવિધ અધિકારી તેમજ મોટી સંખ્યામાં પશુપાલકો ઉપસ્થિત રહેલ હતા.
સદર કાર્યક્રમમાં પશુપાલન વિભાગના તજજ્ઞો દ્વારા આદર્શ પશુપાલન વિશે વિવિધ વ્યાખ્યાનો આપવામાં આવેલ હતા. વધુમાં આ કાર્યક્રમ દરમિયાન માન. રાજ્યકક્ષા મંત્રી દ્વારા પશુપાલન ખાતાની વિવિધ યોજનાઓ અંતર્ગત લાભાર્થીઓને સહાય વિતરણ કરવામાં આવેલ હતું. સદર શિબિરમાં પંચામૃત ડેરી, પ્રાકૃતિક ખેતી, પશુ વિજ્ઞાન કેન્દ્ર તેમજ પશુપાલન શાખા ઘોઘંબા દ્વારા પ્રદર્શન સ્ટોલનું આયોજન કરવામાં આવેલ હતું. સદર કાર્યક્રમનો લાભ અંદાજિત ૩૦૦ થી વધુ પશુપાલકોએ લીધેલ હતો. કાર્યક્રમના અંતે સ્વરૂચિ ભોજન લઈ કાર્યક્રમનું સમાપન કરવામાં આવેલ હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / મહેરા હર્ષદ