
અમરેલી,11 ડિસેમ્બર (હિ.સ.) અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં રહેતા પ્રવીણભાઈ સાવજએ માનવસેવાની અત્યંત પ્રેરણાદાયક મિસાલ મૂકી છે. નવા શરૂ થયેલા સાવરકુંડલા બ્લડ બેન્કમાં તેઓએ 110 મો બ્લડ ડોનેશન કરીને શહેર સહિત સમગ્ર જિલ્લામાં યુવાનો માટે અનોખો માર્ગ ચીંધ્યો છે. અત્યાર સુધી અમરેલી જિલ્લામાં સૌથી વધુ બ્લડ ડોનેશન કરવાનો ગૌરવ તેમને પ્રાપ્ત થયો છે, જે માનવતાની ઊંડાણભરી સેવા ભાવનાને દર્શાવે છે.
પ્રવીણભાઈ સાવજ હાલમાં 45 વર્ષની ઉંમરે હોમગાર્ડમાં ફરજ બજાવે છે. તેમણે પોતાના ગ્રેજ્યુએટ સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો છે અને સાથે માનવસેવાનો સંદેશ સમાજમાં રોપવાનો કાર્ય સતત કરે છે. પોતાના 18 વર્ષની ઉંમરથી તેઓ દર ત્રણ મહિને બ્લડ ડોનેટ કરવાની નિયમિતતા રાખે છે, જેના પરિણામે આજે તેઓ 110 ડોનેશનનું મહત્વનું માઈલસ્ટોન સર કરે છે.
પ્રવીણભાઈ જણાવે છે કે તેમને બ્લડ ડોનેશનની સાચી પ્રેરણા તેમના પિતા પાસેથી મળી હતી. વર્ષો પહેલાં એક ઘટના તેમના મનમાં ઊંડે ઉતરી ગઈ હતી—એક રાતે લગભગ ત્રણ વાગ્યે કોઈ વ્યક્તિને બ્લડની તાત્કાલિક જરૂર પડતાં તેમના પિતા તરત જ મદદ કરવા માટે તૈયાર થઈ ગયા હતા. તે ક્ષણે પ્રવીણભાઈએ માનવતાનો સાચો અર્થ સમજ્યો અને નક્કી કર્યું કે તેઓ જીવનભર નિયમિત બ્લડ ડોનેશન કરીને લોકોની સેવા કરશે.
આ સંકલ્પને તેઓએ વર્ષો સુધી નિષ્ઠાપૂર્વક જાળવ્યો છે. આજે નવા બ્લડ બેન્કની શરૂઆત સમયે 110 મી વાર બ્લડ ડોનેટ કરીને પ્રવીણભાઈએ માત્ર સંસ્થાને જ નહીં પરંતુ સમગ્ર સમાજને એક શક્તિશાળી સંદેશ આપ્યો—“બ્લડ ડોનેશન એ જીવ બચાવવાનો સૌથી સરળ અને શ્રેષ્ઠ માર્ગ છે.”
પ્રવીણભાઈ સાવજ જેવા લોકો સમાજમાં માનવતાનું સજીવન ઉદાહરણ છે. તેમના આ કાર્યથી પ્રેરાઈને અનેક યુવાનો આગળ આવી શકે છે અને બ્લડ ડોનેશન જેવા મહાન કાર્યમાં જોડાઈ શકે છે. ઘણા લોકોને ફરી એક જીવન મેળવવામાં મદદરૂપ બનવા બદલ સાવરકુંડલાના આ માનવતાના યોદ્ધાને સમગ્ર જિલ્લો અભિનંદન પાઠવે છે.
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai