



- કલાકારોની હસ્તકલા થી ભરપૂર અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ- ભારતભરના સ્વદેશી ઉત્પાદકો, કલાકારો અને MSME ઉદ્યોગોને પ્લેટફોર્મ પ્રદાન થયું
અમદાવાદ, 11 ડિસેમ્બર (હિ.સ.) : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાત રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ – 2025-26નું આયોજન 5 ડિસેમ્બરથી 16 જાન્યુઆરી દરમ્યાન કરવામાં આવ્યું છે. આ શોપિંગ ફેસ્ટિવલમાં “સ્વદેશી વીથ ગ્લોબલ અપિલ”ની થીમ અપનાવવામાં આવી છે,જેમાં ભારતભરના સ્વદેશી ઉત્પાદનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. શહેરના 6 લોકેશન અને 12 હોટસ્પોટમાં અંતર્ગત સિંધુભવન રોડ પર આવેલા અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલમાં અનેક સ્વદેશી પ્રોડક્ટ્સના સ્ટોલ જોવા મળશે.
આ શોપિંગ ફેસ્ટિવલમાં થ્રેડ આર્ટના સ્ટોલ પર પોતાની કૃતિઓ વિશે માહિતી આપતા દિલીપ હરિલાલ જગડે જણાવ્યું કે, તેઓ છેલ્લા 25 વર્ષથી આ કલાને જીવંત રાખી રહ્યા છે. તેઓ અગાઉ ડ્રોઇંગ કરીને પછી પેપર પર હોલ પાડી થ્રેડની મદદથી અદભૂત આર્ટવર્ક તૈયાર કરે છે. આ આર્ટવર્કને તેઓ ફ્રેમ સાથે અને ફ્રેમ વગર બે રીતે આપે છે.
દિલીપભાઈ જણાવે છે કે, “આ મારી થ્રેડ આર્ટ છે. હું 250 GSM પેપર પર પહેલા ડ્રોઇંગ કરું છું, પછી ડિસ્ટન્સ સરખું રાખીને હોલ કરું છું અને ત્યારબાદ થ્રેડથી સ્ટીચિંગ કરું છું. ગ્રાહકની માંગ પ્રમાણે નામ કે ડિઝાઇનને કસ્ટમાઇઝ પણ કરી આપું છું. હું છેલ્લા 25 વર્ષથી આ કામ કરી રહ્યો છું અને અમદાવાદની સી.એન.ફાઇન આર્ટસમાંથી ડિપ્લોમા કર્યો છે. 2019માં મને આ ડિઝાઇન માટે સ્ટેટ એવોર્ડ મળ્યો છે.” દિલીપભાઈએ વધુમાં જણાવ્યું કે, તેઓ થ્રેડ આર્ટમાંથી પેન્ડન્ટ, ઇયરિંગ, કિચેન અને ઘડિયાળ જેવી અનેક પ્રોડક્ટ પણ તૈયાર કરે છે. દરેક પીસ બનવામાં 2 થી 3 દિવસ લાગે છે, તેથી તેઓ એક્સપોર્ટની જગ્યાએ સ્થાનિક ગ્રાહકોને જ સીધી કલા પહોંચાડવાને વધુ મહત્વ આપે છે.
શોપિંગ ફેસ્ટિવલમાં સ્વદેશ બ્રાન્ડે પણ ભાગ લીધો છે, તેમનાં સિનિયર મેનેજર અઝીમ અહેમદ જણાવે છે કે,સ્વદેશ બ્રાન્ડનું વિઝન છે કે દેશભરનાં સ્થાનિક આર્ટિસ્ટ્સ દ્વારા તૈયાર કરાયેલાં વિવિધ પ્રોડક્ટ્સને પ્લેટફોર્મ પૂરૂં પાડવું. અમારો મુખ્ય ઉદ્દેશ ભારતના દરેક ખૂણામાં રહેલા લોકલ કલાકારોને રાષ્ટ્રીય સ્તરે ઓળખ અપાવવાનો છે. તેમણે વધુમાં કહ્યું કે, “ભારતના દરેક પ્રદેશમાં અનોખી કલાઓ અમારા સ્ટોરમાં છે, પરંતુ આ કલાકારોને યોગ્ય પ્લેટફોર્મ ના મળવાથી ઘણી ક્રાફ્ટ નષ્ટ થવામાં આવી છે. ત્યારે સ્વદેશ કલાકારોને સેન્ટર સ્ટેજ પર લાવી અને તેમના ધંધાને મજબૂત બનાવવા. અહીં કાશ્મીરથી લઇને કન્યાકુમારીથી લઇને ગુજરાતથી નોર્થ-ઈસ્ટ સુધીની બધી ક્રાફ્ટ ઉપલબ્ધ છે. સાડીઓ, કુર્તા, મૂર્તિઓ, ફર્નિચર, કાર્પેટ, પેઇન્ટિંગ – તમે ભારતને અહીં એક જ છત નીચે જોઈ શકો છો.” મેનેજરે વધુમાં જણાવ્યું કે, સ્વદેશ બ્રાન્ડ કલાકારો પાસેથી સીધી ખરીદી કરે છે, જેથી તેઓને પોતાની કૃતિનું પૂર્ણ મૂલ્ય તાત્કાલિક મળે અને તેમનાં ધંધાને વેગ મળે છે.
જયપુર પાસેનાં નાનકડાં ગામ કોટજેવરનાં પોટરી આર્ટિસ્ટ હનુમાન પ્રજાપતિએ તેમનાં સિરામિક્સ પ્રોડક્ટ્સ વિશે જણાવ્યું કે,અમે આ પ્રોડક્ટ્સને જાતે જ મેન્યુફેક્ચર કરીએ છે. આ પ્રોડક્ટ્સમાં કાચનાં પાઉડર, મુલ્તાની માટી, કથીરા ગોંદ અને ચિનાઇ માટીને પીસીને તૈયાર કરેલાં મટિરિયલમાંથી તૈયાર કરીએ છીએ. અમારા બધાં જ પ્રોડક્ટ્સ અમે જાતે બનાવીએ છે. આ બધો જ માલ-સામાન અમે અજમેર પાસેનાં કિસનગઢથી બધી જ સામગ્રી મંગાવીએ છે. આ પ્રોડક્ટ્સ 50 રૂપિયાની રેન્જથી લઇને રૂ. 15000 સુધીની પ્રોડક્ટ્સનો સમાવેશ થયો છે. જેમાં પ્લેટ્સ, કપ-રકાબી, મગ્સ, ફ્રીજ મેગ્નેટ્સ, બરણીઓ, બાઉલ્સ વગેરે પ્રોડક્ટ્સ રાખવામાં આવ્યાં છે.
જ્યૂટનાં સ્પેશિયલ હેન્ડમેડ પ્રોડક્ટ્સ લઇને શોપિંગ ફેસ્ટિવલમાં આવનારા ગાઝીપુર-ઉત્તરપ્રદેશનાં આર્ટિસ્ટ અકબર અલી જણાવે છે કે, અમારી પ્રોડક્ટ્સ જ્યુટ વોલ હેન્ગિગ છે જે વિલુપ્ત થતી કલા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ સ્વદેશી પ્રોડક્ટ્સને પ્રોત્સાહન આપવાનાં પ્રયાસને લીધે અમે અહીં આવી શક્યાં છે અને આખા દેશનાં તમામ એક્ઝિબિશન્સમાં અમે ભાગ લઇએ છે. આ જ્યુટ પ્રોડક્ટ્સ કુલ 3000 જેટલી મહિલાઓ દ્વારા આ જ્યુટનાં જુદા-જુદા પ્રોડક્ટ્સ તૈયાર કરીએ છીએ. કોરોના પહેલાં અમે આ પ્રોડક્ટ્સને વિદેશોમાં એક્સપોર્ટ કરતાં હતાં. પરંતુ કોરોનામાં કામમાં થોડી મંદી આવી છે. આ જ્યુટ બેગ્સ એન્વારોન્મેન્ટ ફ્રેન્ડલી પ્રોડક્ટ્સ છે, જેનો પ્લાસ્ટિકને રિપ્લેસ કરીને હેલ્ધી પ્રોડક્ટ્સને વપરાશમાં લાવવાનો અમારો પ્રયાસ છે. આ 80 વર્ષ જુની કલા છે જે માત્ર ગાઝીપુરની કલા છે. અમારી આ 100 ટકા સ્વદેશી પ્રોડક્ટ્સ છે.
ફિરોઝાબાદ - ઉત્તરપ્રદેશનાં નૌષાદ અહેમદ તેમની હેન્ડમેડ કાચની પ્રોડક્ટ્સ વિશે જણાવે છે કે, આ અમારા વંશજોની કલા છે જેને મેં આગળ વધારી છે. અમે કાચથી આ બંગડીઓ, શો પીસ, નેકપીસ વગેરે તૈયાર કરીએ છે.જેમાં શોપીસમાં અમે હમ-દો હમારે દોનાં પરિવાર જેવાં બે મોર અને તેનાં બચ્ચાનાં શો પીસ બનાવીએ છે. તેમજ કાચની અનેક પ્રકારની બંગડીઓ અમે બનાવીએ છે. આ બંગડીઓમાં આધુનિક ફેશન શૈલી પ્રમાણે અમે નવી બંગડીઓ ડિઝાઇન કરી છે.
આમ, અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ – 2025-26 દ્વારા “સ્વદેશી વીથ ગ્લોબલ અપિલ”ની ભાવનાને સાકાર કરવાની સાથે સ્થાનિક કલાકારોને વૈશ્વિક સ્તરે પ્રોત્સાહન આપવાનો અત્યંત સફળ પ્રયાસ થયો છે. આ ફેસ્ટિવલ શહેરના આર્થિક અને સાંસ્કૃતિક વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહ્યું છે અને અમદાવાદને એક વર્લ્ડ-ક્લાસ શોપિંગ ડેસ્ટિનેશન તરીકે ઉભું કરી રહ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ